ધોરાજીના ઝાંઝમેર ગામે બોરમાંથી મોટર વગર પાણીના ફુવારા, વીડિયો વાયરલ
ભારે વરસાદ બાદ બોરના પાણીનું દબાણ વધતાં દર અંદાજે 30 સેકન્ડે પાણીના ફુવારા ઉડતા હોવાનો દૃશ્ય
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે એક અનોખો બનાવ સામે આવ્યો છે. ગામના ખેડૂત સુભાષભાઈ વૈષ્ણવની સીમ વિસ્તારમાં આવેલી વાડીના બોરમાંથી કોઈપણ પ્રકારની મોટર ચાલુ કર્યા વગર પાણીના ફુવારા ઉડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, બોરમાંથી અંદાજે દર 30 સેકન્ડના અંતરે પાણીના જોરદાર ફુવારા બહાર આવી રહ્યા છે. આ દૃશ્ય જોઈને સ્થાનિક ખેડૂતો સહિત ગ્રામજનો આશ્ચર્યચકિત બની ગયા છે. સામાન્ય રીતે મોટર ચલાવ્યા બાદ જ બોરમાંથી પાણી બહાર આવે છે, પરંતુ અહીં કુદરતી દબાણના કારણે પાણીના ફુવારા ઉડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે ધોરાજી પંથકમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. તેના પરિણામે બોરમાં પાણીનું દબાણ વધી જતાં આ પ્રકારની કુદરતી ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
આ અનોખી ઘટનાની જાણ થતાં આસપાસના ગામોના લોકો પણ ઝાંઝમેર ગામે આવેલી વાડીમાં આ દૃશ્ય જોવા માટે પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે અને આ ઘટનાની વિવિધ રીતે ચર્ચા થઈ રહી છે.
જો કે, આ ઘટના પાછળનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જાણવા માટે ભૂગર્ભ જળ અને ભૂસ્તર નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવે તો હકીકત વધુ સ્પષ્ટ થઈ શકે છે.


