ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનોના કામ હાલ અટકાવવા માંગણી
પત્રો રદ અને ફેરફાર કરી ખેડૂત હિતમાં યોગ્ય કાયદો અને યોગ્ય વળતર કે માસીક ભાડાના ચૂકવણાની રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા વિવિધ રાજપત્રો જાહેર કરીને સમગ્ર દેશમાં વીજ પોલ અને વીજ લાઇનો સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રાજપત્રોમાં ગામોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ જે ખેડૂતોની જમીનમાંથી વીજ પોલ અને વીજ લાઇનો પસાર થવાની છે તે ખેડૂતોના નામો કે સર્વે નંબરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક વિસ્તારોમાં વહીવટી તંત્ર અને વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની સંમતિ વિના તથા પોલીસના દબાણ હેઠળ ખેડૂતોની જમીનમાં બળજબરીપૂર્વક ખાડા ખોદી વીજ પોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોની ખેતી અને જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેથી આપશ્રીને વિનંતી છે કે: વીજ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આવા રાજપત્રોની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે અને ખેડૂતોના હિતોને સુરક્ષિત કરવામાં આવે.
જ્યાં સુધી ખેડૂત હિતમાં સ્પષ્ટ અને કડક કાયદો ન બને ત્યાં સુધી ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનો નાખવાની કામગીરી સ્થગિત કરવામાં આવે. વીજ કંપનીઓ ખેડૂતોની જમીનનો ઉપયોગ કરીને નફો કમાય છે, તેથી જે જમીનમાં વીજ પોલ સ્થાપિત કરવામાં આવે તે માટે ખેડૂતોને પ્રતિ પોલ માસિક ભાડું ચૂકવવામાં આવે. ખેતરો ઉપરથી પસાર થતી વીજ લાઇનો માટે પણ દર ચોરસ મીટર મુજબ ખેડૂતોને માસિક વળતર અથવા ભાડું ચૂકવવાની જોગવાઈ કરવામાં આવે. વીજ કંપનીઓના નફામાં ખેડૂતોને પણ યોગ્ય ભાગીદારી આપવામાં આવે.
ટાટા નેનો પ્રોજેક્ટ તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવ્યું હતું. તે જ રીતે સમગ્ર દેશમાં વીજ પોલ અને વીજ લાઇનોથી અસરગ્રસ્ત ખેડૂતોને પણ ન્યાયસંગત વળતર અને નિયમિત આવકની વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે ખેડૂતોના વ્યાપક હિત માટે નીચે મુજબની માંગણીઓ પર પણ વિચારણા કરવામાં આવે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ખેતી ખર્ચના આધારે પાકોના પૂરતા અને વાજબી ભાવ આપવામાં આવે, કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગની રચના કરવામાં આવે. દેશના કુલ બજેટનો યોગ્ય હિસ્સો ગ્રામ્ય વિસ્તારો, ખેડૂતો, કૃષિ મજૂરો અને પશુપાલકોના વિકાસ માટે ફાળવવામાં આવે. “વોકલ ફોર લોકલ” અભિયાનને મજબૂત બનાવવા તાલુકા સ્તરે જિનિંગ મિલ, ઓઇલ મિલ તથા કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે. કૃષિ ઉત્પાદનોની અનિયંત્રિત આયાત પર નિયંત્રણ મૂકવામાં આવે. ખેડૂતોના તમામ પાકોના ટેકાના ભાવમાં વધારો કરીને ઓછામાં ઓછા બમણા કરવામાં આવે અને તમામ કૃષિ ઉત્પાદનોની સરકારી ખરીદીની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ક્રાંતિ સંગઠન દ્વારા સરકારમાં કરાઇ છે.


