રાજકોટમાં પર્યાવરણ સંરક્ષણ કાજે GNRF દ્વારા યોજાયો ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ
દાવતે ઇસ્લામી ઇન્ડિયાના અભિયાન અંતર્ગત ગ્રીન રાજકોટનો સંકલ્પ; વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા સામાજિક અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
પર્યાવરણને વધુ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉમદા હેતુથી રાજકોટ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાવતે ઇસ્લામી ઇન્ડિયાના પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત કાર્યરત સામાજિક અને કલ્યાણકારી સંસ્થા ગરિબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ આયોજન અંતર્ગત રાજકોટના વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરીને જનસમુદાય સુધી વૃક્ષોનું મહત્વ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઇસ્લામી ભાઈઓએ માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત ન રહેતા, રોપાયેલા દરેક છોડ વૃક્ષ બને ત્યાં સુધી તેની યોગ્ય સંભાળ અને જતન રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવતા જણાવવામાં આવ્યું હતું કે, પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવવા, માનવજાતને શુદ્ધ હવા પૂરી પાડવા અને આપણી આવનારી પેઢીને સ્વસ્થ તેમજ હરિયાળું વાતાવરણ ભેટ આપવા માટે વૃક્ષો વાવવા અત્યંત જરૂરી છે.
દાવતે ઇસ્લામી ઇન્ડિયાની કલ્યાણકારી સંસ્થા GNRF દ્વારા સમગ્ર દેશમાં પર્યાવરણ બચાવવા માટે આ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા અબાલ-વૃદ્ધ સૌ કોઈને આ સત્કાર્યમાં સહભાગી બનવા અને પોતાના ઘર-આંગણે કે આસપાસની ખુલ્લી જગ્યામાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી દેશને હરિયાળો બનાવવામાં પોતાનું યોગદાન આપવા ભાવભરી અપીલ કરવામાં આવી છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નં.૧૬ના કોર્પોરેટરો ઇબ્રાહીમભાઇ સોરા, અર્જુનભાઇ, દિપ્તીબેન સોલંકી અને રસીલાબેન ગરૈયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં.


