જસદણ નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના કરુણ મોત
ગોખલાણા રોડ પર મહાદેવ જીન પાસે એસેન્ટ કાર અને બોલેરો સામસામે અથડાઈ : પાંચ લોકો ઈજાગ્રસ્ત, બોલેરો ચાલકની પોલીસે ધરપકડ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના ગોખલાણા રોડ પર સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે. જસદણથી પોતાના ગામ પરત ફરી રહેલા બે પિતરાઈ ભાઈઓની કાર અને સામેથી આવી રહેલી મહિન્દ્રા બોલેરો વચ્ચે જીવલેણ ટક્કર થતાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના આગળના ભાગનો કચરો થઈ ગયો હતો. ઘટનામાં બોલેરો કારમાં સવાર પાંચ લોકો પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જસદણ તાલુકાના ગોખલાણા ગામે બેરાણી ફળીયામાં રહેતા ઘનશ્યામ મઘાભાઈ બેરાણી (ઉ.વ.27) અને તેમના પિતરાઈ ભાઈ રાજેશ ભાયાભાઈ બેરાણી (ઉ.વ.28) શનિવારે સાંજે જસદણ ગયા હતા. રાજેશભાઈની એસેન્ટ કારમાં બંને કોઈ કામસર ગયા બાદ ગામ તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગોખલાણા-જસદણ રોડ પર આવેલ મહાદેવ જીન ફેક્ટરી નજીક તેમની કારને સામેથી આવી રહેલી મહિન્દ્રા બોલેરો કાર સાથે ધડાકાભેર ટક્કર વાગી હતી.
અકસ્માત બાદ રસ્તા પર ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે મૃતક ઘનશ્યામભાઈના મોટા ભાઈ જયસુખભાઈ મધુભાઈ બેરાણીએ જસદણ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાંજના સમયે તેમને તેમના સગા કેવલભાઈ બેરાણીનો ફોન આવ્યો હતો કે મહાદેવ જીન પાસે રાજેશભાઈની કારનો ગંભીર અકસ્માત થયો છે અને ઘનશ્યામ પણ તેમની સાથે હતો. ત્યારબાદ પરિવારજનોએ બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોનનો જવાબ ન મળતા ચિંતા વધી હતી.
થોડા સમય બાદ અન્ય અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી અકસ્માત થયાની જાણ કરતા પરિવારજનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં બંને વાહનો રોડ પર અકસ્માતગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. આસપાસ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં બંને યુવકોના મોતની પુષ્ટિ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર મહિન્દ્રા બોલેરોમાં ડ્રાઈવર સહિત પાંચ લોકો સવાર હતા. અકસ્માતમાં તેમને પણ ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ જસદણ પોલીસે બોલેરો ચાલક પ્રવીણભાઈ ઘુસાભાઈ ઝાપડિયા રહે. ગોખલાણા, સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક રાજેશભાઈ અને ઘનશ્યામભાઈ જસદણમાં પોતાની એસેન્ટ કાર રિપેરિંગ માટે ગયા હતા અને પરત ફરતી વેળાએ આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. માર્ગ અકસ્માતને લઈને આસપાસના લોકોમાં પણ ભારે દુઃખની લાગણી ફેલાઈ હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલા રાજેશભાઈ બેરાણી પોતાના ગામમાં ગેરેજનો વ્યવસાય ચલાવતા હતા અને પરિવારમાં કમાઉ સભ્ય હતા. તેમને સંતાનમાં પાંચ વર્ષની અને ત્રણ વર્ષની એમ બે નાની દીકરીઓ છે. પિતાના અચાનક અવસાનથી બંને માસુમ દીકરીઓએ નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ અને ગામનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
જ્યારે અન્ય મૃતક ઘનશ્યામભાઈ બેરાણી હજુ અપરિણીત હતા. યુવાન વયે થયેલા તેમના અકાળ અવસાનથી સમગ્ર બેરાણી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ગામમાં પણ આ ઘટનાએ ભારે દુઃખની લાગણી ફેલાવી છે. રવિવારે બંને યુવાનોના અંતિમ સંસ્કાર સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.


