માનવી ત્યાં સુવિધાના સુત્ર વચ્ચે તંત્રની બેદરકારીનો બોલતો પૂરાવો
ગોકુલધામ પાસોની આવાસ યોજનામાં નર્કાગાર જેવી સ્થિતી
તૂટેલા રસ્તા, ગંદકીના ગંજ, કાદવ-કિચડ અને સફાઈના અભાવે લોકોના આરોગ્ય પર ભયંકર ખતરો
ખાડાઓના લીધે ભરાતું પાણી, અંધારપટ્ટથી રહેવાસીઓને પડતી ભારે મુશ્કેલી: કોંગ્રેસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ આવાસોમાં યોગ્ય મેન્ટેનન્સ નહીં થતા આવાસોની નર્કાગાર જેવી સ્થીતી થઈ જતી હોવાની છાશવારે ફરિયાદો ઉઠી રહી છે. આવાસ યોજનાના મેન્ટેનન્સમાં મનપા દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. ગોકુલનગર આવાસની પણ આવી જ હાલત થઈ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે.
રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના મહામંત્રી સરલાબેન પાટડીયા ની યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યાં માનવી ત્યાં સુવિધા અને સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન અને હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની ગુલબાંગો ફેકનારા વાસ્તવિક સ્થિતિ વાકેફ ન હોય તેવું જણાય છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ના કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા ડાલીબાઈ છાત્રાલયની પાછળ ગોકુલધામ પાસે આવેલા આવાસ યોજના માં નર્કાગાર જેવી હાલત છે અને પ્રાથમિક સુવિધા નો સદંતર અભાવ જોવા મળે છે. આવાસ યોજનામાં વખતો વખત અંધાર પર છવાઈ જાય છે. રસ્તા ભાંગેલા તૂટેલા અને ખાડા ખબડા જોવા મળે છે અને આ રસ્તાઓમાં પાણી ભરાતું હોવાને પગલે અકસ્માતનું સતત જોખમ રહે છે. સફાઈ નો અભાવ છે જ્યાં ત્યાં કચરા ગંદકીના ગંજ રસ્તા પર લીલ અને શેવાળ જામી ગયા હોવાને પગલે બાઈક ચાલકો સ્લીપ થઈ જાય એ પ્રકારના રસ્તાઓ છે. અહીંયા કોર્પોરેશનના કોઈ અધિકારીઓ ક્યારેય ફરકતા નથી. રાજકોટ મહાનગરપાલિકામાં મેયરો, કમિશનરો, કોર્પોરેટરો બદલાઈ પરંતુ આવાસ યોજના ના પ્રશ્નો અધ્ધરતાલ જ રહે છે.
મહિલા કોંગ્રેસ અગ્રણીએ આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં 26272593 અને 26272594 ફરિયાદ કરવામાં આવી છે. અને આ અંગે સિનિયર કોંગ્રેસ આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાને ફરિયાદના પગલે ઝાલાએ વોર્ડ નંબર 12 ના અધિકારીઓને ગોકુલધામ આવાસ યોજનામાં જે કાંઈ પ્રાથમિક સુવિધા નો અભાવ છે તે અંગે તાત્કાલિક ઘટતા પગલાં ભરવા ટેલિફોનિક અપીલ કરી હતી.


