ગોંડલ અને શાપરમાંથી 75 હજાર લીટર ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી : 3 ટ્રક, શંકાસ્પદ બાયો ડીઝલ સહિત રૂ.1.69 કરોડનો મુદ્દામાલ સીઝ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોંડલ તથા શાપર વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી પોલીસે આશરે 75 હજાર લીટર જેટલો શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ટેન્કર ટ્રક સહિત કુલ રૂ.1.69 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ત્રણ ડ્રાઈવરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલની અછત તથા વધતી કિંમતોના પગલે ગેરકાયદેસર સંગ્રહખોરી અને ભેળસેળના બનાવો સામે આવતા રાજકોટ રેન્જ પોલીસ સતર્ક બની હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા સમગ્ર રાજકોટ વિભાગમાં પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર, સંગ્રહ અને ભેળસેળ અટકાવવા માટે ખાસ અભિયાન શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને બાતમીદારો મારફતે સતત માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ-ગુંદાળા રોડ ઉપર આવેલા સુર્યદીપ વેરહાઉસ ખાતે મોટી માત્રામાં શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે PSI બી.સી. મિયાત્રા તથા તેમની ટીમે ગોંડલ સીટી બી પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા સુર્યદીપ વેરહાઉસ ખાતે દરોડો પાડ્યો હતો. ત્યાં તપાસ દરમિયાન ટાટા ટેન્કર નંબર GJ-12-BY-1139 માંથી આશરે 35 હજાર લીટર જવલનશીલ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. આ ટેન્કરનો ડ્રાઈવર પ્રુથ્વીસિંહ શ્રવણસિંહ રાવત હોવાનું જાણવા મળ્યું હતું. તે મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના અમરગઢ રૂદલાઈ ખરવા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
તે જ સ્થળેથી અશોક લેલેન્ડ ટેન્કર નંબર GJ-35-T-3423 માંથી પણ આશરે 10 હજાર લીટર જેટલો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. આ વાહનનો ડ્રાઈવર સંતોષકુમાર ગયાપ્રસાદ યાદવ હોવાનું સામે આવ્યું હતું, જે મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના ખાનપુર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને ટેન્કરોમાં રહેલા પ્રવાહીની પ્રાથમિક તપાસ કરતાં તેમાં પેટ્રોલિયમ જેવી તીવ્ર વાસ આવતી હોવાનું નિરીક્ષણ કર્યું હતું. જેના આધારે સમગ્ર જથ્થો શંકાસ્પદ માનવામાં આવ્યો હતો અને બંને વાહનો સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથક વિસ્તારમાં પણ રાજકોટ રેન્જની ટીમે અલગ કાર્યવાહી હાથ ધરી હતી. અહીં ખુલ્લા પટ વિસ્તારમાં ઉભેલા ટાટા ટેન્કર નંબર GJ-12-BZ-1188 માંથી આશરે 34 હજાર લીટર જેટલો પીળાશ અને લીલાશ પડતો જવલનશીલ પ્રવાહી મળી આવ્યો હતો. આ વાહનનો ડ્રાઈવર ખોડાભાઈ બાબુભાઈ વકાતર હોવાનું સામે આવ્યું હતું, જે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણુ ગામનો રહેવાસી છે.
પોલીસે ત્રણેય સ્થળેથી મળેલા શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો, ત્રણ ટ્રક, એક વધારાનું ટેન્કર વાહન નંબર GJ-03-BW-0046 તથા અન્ય સાધનો મળી કુલ રૂ.1,69,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ જપ્ત કરાયેલ વાહનો અને શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથક અને શાપર (વેરાવળ) પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઝડપાયેલા પ્રવાહીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને વધુ વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ પ્રવાહી ખરેખર બાયો ડીઝલ છે કે અન્ય કોઈ ભેળસેળવાળો પેટ્રોલિયમ પદાર્થ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકારના ગેરકાયદેસર બાયો ડીઝલનો ઉપયોગ મોટા વાહનો, ઉદ્યોગો અને કેટલાક સ્થળોએ સસ્તા વિકલ્પ તરીકે કરવામાં આવતો હોઈ શકે છે. પરંતુ આવા ભેળસેળયુક્ત ઇંધણના કારણે વાહનોને નુકસાન થવાની સાથે આગ જેવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાવાનો પણ ભય રહે છે. ઉપરાંત સરકારને કરોડો રૂપિયાની કરચોરીનો ફટકો પણ પહોંચે છે.
રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર ઇંધણના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા ગેરકાયદેસર કારોબાર સામે વિશેષ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પદાર્થોમાં ભેળસેળ અથવા ગેરકાયદેસર સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ કડક ગુનો છે અને આવા કારોબારમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઝડપાયેલા ડ્રાઈવરોની પૂછપરછના આધારે અન્ય સંકળાયેલા શખ્સોના નામ પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


