પડધરીમાં સરકારી આઈટીઆઈની બિલ્ડીંગ માત્ર ૧3 વર્ષમાં જ બની ગઈ જર્જરિત હાલતમાં
બીમ કોલમમાં તિરાડો પડી, ભયજનક હોવાના બોર્ડ મારતા ગુણવત્તા સામે લોકોમાં ઉઠતો સવાલ
અગ્ર ગુજરાત, રાજકોટ
પડધરીમાં આવેલી સરકારી આઈ.ટી.આઈ. (ITI) ના બિલ્ડિંગની હાલત અત્યંત ખરાબ અને ભયજનક બનતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. નવાઈની વાત એ છે કે આ બિલ્ડિંગ બન્યાને માત્ર ૧૩ વર્ષ જેવો ટૂંકો સમય થયો છે, ત્યાં જ બિલ્ડિંગના બીમ અને કોલમમાં મોટી તિરાડો પડી ગઈ છે. હાલ સુરક્ષાના કારણોસર બિલ્ડિંગ પર ‘ભયજનક’ હોવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
આ સંસ્થામાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ટેકનિકલ અભ્યાસ કરી રહ્યા છે. બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ હોવાથી હાલમાં વિદ્યાર્થીઓનો પ્રત્યક્ષ અભ્યાસ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. હાલમાં માત્ર ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે, પરંતુ જેવા વિષયોમાં અત્યંત મહત્વનું એવું ‘પ્રેક્ટિક્લ’ શિક્ષણ સંપૂર્ણપણે બંધ થઈ જતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મુકાશે
સ્થાનિક વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ આ મુદ્દે બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાક્ટ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘માત્ર ૧૩ વર્ષમાં બિલ્ડિંગ જર્જરિત થઈ જાય તે કામની નબળી ગુણવત્તા સૂચવે છે. ૨૫૦ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા છે. અમારી માંગ છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પડધરીમાં જ કોઈ વૈકલ્પિક જગ્યા શોધીને તુરંત પ્રત્યક્ષ શિક્ષણ અને પ્રેક્ટિકલ શરૂ કરવામાં આવે. ‘ નિખીલ ભોજાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, એવી ચર્ચાઓ છે કે આઈ.ટી.આઈ. ની ઓફિસ રાજકોટ ખાતે ખસેડવામાં આવી શકે છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. ઓફિસ પડધરીમાં જ રહેવી જોઈએ જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે. વિદ્યાર્થી નેતા અને વાલીઓ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે યોગ્ય જગ્યા શોધીને યુદ્ધના ધોરણે નવું મજબૂત બિલ્ડિંગ બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ફરી શરૂ થઈ શકે અને તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ગંભીર બાબતે કેટલી ઝડપે પગલાં લે છે.
આર .એન્ડ ડી વિભાગ દ્વારા પડધરી આઈ.ટી.આઈ.ને અલ્ટ્રાસોનિક તથા તપાસ કરવામાં આવેલ હતું તેમાં તેવા રિપોર્ટ આવેલ કે આ બિલ્ડિંગમાં ૧૦૦% માંથી માત્ર ૩૦ થી ૪૦% જેવું લોખંડ વપરાયેલ છે આ વિભાગ દ્વારા આઈ.ટી.આઈ ને ૮ મહિનાથી બેરિકેટ મારી દેવામાં આવેલ છે જેથી કોઈ અંદર પ્રવેશી શકતું નથી ૨૫૦ જેટલા વિધાર્થી આ આઈ.ટી.આઈ માં તાલીમ લઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે જેથી પ્રકેટિકલ કઈ થઈ શકતું નથી વહેલામાં વહેલી તકે આ બિલ્ડિંગ નું રિનોવેશન અથવા નવું બિલ્ડિંગ મજબૂતાઇ વાળું બાંધવામાં આવે એવી પડધરી તાલુકાનાની જનતા તેમજ વિધાર્થી નેતા નિખીલ ભોજાણીની માંગ છે


