બી.એસ. સી. નર્સિંગ અને જી.એન.એમ.ના છાત્રો માટે યોજાયો કાર્યક્રમ
ગાર્ડી વિદ્યાપીઠની નર્સિંગ કોલેજ દ્વારા “લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની” યોજાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની પ્રતિષ્ઠિત ગાર્ડી વિદ્યાપીઠના એચ. વી. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ વિભાગ દ્વારા તાજેતરમાં બી.એસસી નર્સિંગ અને જી.એન.એમ.ના પાંચમા બેચના વિદ્યાર્થીઓ માટે “લેમ્પ લાઇટિંગ એન્ડ ઓથ ટેકિંગ સેરેમની”નું અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ માત્ર એક ઔપચારીક કાર્યક્રમ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વ્યાવસાયિક જીવનમાં પ્રવેશનું પ્રતિકાત્મક નિરૂપણ બની રહ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ, નીરવ, દુધરેજીયા અને પ્રકાશ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાજકોટ જિલ્લા પંચાયતની પબ્લિક હેલ્થ નર્સ રીટાબહેને પોતાની ઉપસ્થિતિથી પ્રસંગની ગરિમા વધારી હતી.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા, મેનેજીંગ ડાયરેક્ટર જય મહેતા, પ્રિન્સિપાલ ડૉ. આશિષ ગૌતમ, તેમજ ગાર્ડી વિદ્યાપીઠ સંલગ્ન વિવિધ કોલેજના પ્રિન્સિપાલઓ પણ હાજર રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમ વધુ ઉષ્માભર્યો બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન દીપ પ્રજ્વલન દ્વારા નર્સિંગ વ્યવસાયની પવિત્ર પરંપરાનું પ્રતિકાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાય પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવવાના શપથ લીધા હતા. મુખ્ય મહેમાનો નિરવ દુધરેજિયા અને પ્રકાશ પ્રજાપતિએ પોતાના પ્રવચનમાં નર્સિંગ ક્ષેત્રના નવા ટ્રેન્ડ્સ, આધુનિક ટેકનોલોજી અને કઠોર મહેનતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગાર્ડી વિદ્યાપીઠના ચેરમેન ડી. વી. મહેતાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ છતાં નર્સિંગ વ્યવસાયનું મહત્વ ક્યારેય ઘટશે નહીં, તેમણે વિદ્યાર્થીઓને માનવતા, સેવા ભાવના અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.


