ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની ઉજવણી
ગુજરાતીઓને ગુજરાતને ઉચ્ચ શિખર પર લઈ જવાનો સંદેશો અપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગઈકાલે ૧ લી મે એટલે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના ઉપલક્ષ્યમાં રાજકોટ સ્થિત ભારત સેવક સમાજ અને રચનાત્મક કાર્યો કરતી સંસ્થા યુથ ફોર ડેમોક્રેસીના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ ઉપસ્થિત સૌને આવકારી ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો.
ત્યારબાદ કાર્યક્રમના વક્તા પૂર્વ મંત્રી જયંતીભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ટેલેન્ટેડ અને વ્યાપાર વૃદ્ધિ કરવામાં બુધ્ધિશાળી છે. કોઈ ગુજરાતી સખત મહેનત કરશે પરંતુ મજૂરી કરતો જોવા નહીં મળે. મજૂરો તે બહારથી લાવે છે અને તેમને રોજગારી પૂરી પાડે છે. ગુજરાતીઓના લોહીમાં બુધ્ધિ અને વેપાર છે. દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે અને ગુજરાત અને ભારતનું નામ રોશન કરે છે.
ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મજૂર દિનના અનુસંધાને પોતાનું વક્તવ્ય આપતા મજૂર કાયદાના નિષ્ણાંત એડવોકેટ બાબુભાઈ માવાણીએ મજૂર કાયદા વિશે માહિતી આપી મજૂરો, ઉદ્યોગો, કોન્ટ્રાક્ટ પ્રથા, યુનિયનો અને સરકાર વચ્ચેના સંબંધો ઉપર અસરકારક વક્તવ્ય આપી તેમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ વિશે રસપ્રદ માહિતી આપી હતી.
ભારત સેવક સમાજના મહામંત્રી જનાર્દનભાઈ પંડ્યા તથા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ સોલંકીએ તથા આભારદર્શન એડવોકેટ કૌશિકભાઈ છાયાએ કરેલ હતું.
કાર્યક્રમમાં યોગગુરુ નટવરસિંહ ચૌહાણ, ભાવેશભાઈ આચાર્ય, પ્રકાશભાઈ મોરી, જીતુભાઈ લખતરીયા, સુભાષભાઈ કોરડીયા, બિપીનભાઈ મલકાણ, જીમ્મી મલકાણ, હંસાબેન સાપરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


