હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
65 ડિસ્ટ્રીક્ટ, 153 સિનિયર સિવિલ અને 125 સિવિલ જજોની સૌરાષ્ટ્ર-કચ્છની અનેક કોર્ટોમાં નિમણૂકો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યની જિલ્લા અને તાલુકા અદાલતોમાં વ્યાપક વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના આદેશથી કુલ 343 જજોની બદલી જાહેર કરવામાં આવી છે. તેમાં 65 ડિસ્ટ્રિક્ટ કેડરના, 153 સિનિયર સિવિલ જજ તથા 125 સિવિલ જજોની ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.
આ બદલીઓના પગલે સૌરાષ્ટ્ર-કચ્છની અનેક અદાલતોમાં નવા જજોની નિમણૂક થવાથી ન્યાયતંત્રમાં નવી ગતિ જોવા મળશે. ખાસ કરીને ગોંડલ, ધોરાજી, રાજકોટ, જામનગર, ભુજ, ગાંધીધામ, ધ્રાંગધ્રા, મોરબી, ઉના, ભચાઉ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં મોટા પાયે ફેરફારો નોંધાયા છે.
ડિસ્ટ્રિક્ટ કેડરની બદલીઓમાં રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ ધર્મેન્દ્રસિંહ શેરસિંહને પાલનપુર ફેમિલી કોર્ટમાં મુકવામાં આવ્યા છે, જ્યારે રાજકોટ ફેમિલી કોર્ટના ગૌરવ દીપક યાદવની અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં બદલી કરાઈ છે. રાજકોટના વસંતકુમાર કાંતિલાલ ભટ્ટને ધોળકા મોકલવામાં આવ્યા છે અને રાજકોટ ફેમિલી કોર્ટના હીનાબેન નિહારભાઈ દેસાઈને અમદાવાદ સિવિલ કોર્ટમાં નિમણૂક આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. ગોંડલના હેમાંગ અશ્વિનભાઈ ત્રિવેદીને નડિયાદ, ધારીના મહંમદ આરીફ શેખને હિંમતનગર, દ્વારકાના કૌશિકકુમાર મોદીને પાટણ તથા ગાંધીધામના અલ્તાફ મેમણને અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જામનગરના સામનાથ વેમુલાને કપડવંજ અને સંદીપ ક્રિસ્ટીને હાલોલ મુકવામાં આવ્યા છે.
બીજી તરફ અન્ય જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા જજોમાં સુરતના રિતેશકુમાર મોઢને ગોંડલ, ગોધરાના વૈભવ મોંઢેને ધોરાજી, પ્રિયંકા અગ્રવાલને રાજકોટ, પુષ્પા સૈનીને ગોંડલ અને ભૂમિકા ચંદારાણાને મોરબી ખાતે નિમણૂક આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર, બોટાદ, ધારી, પોરબંદર, દ્વારકા અને મોરબીમાં પણ નવા જજોની નિમણૂક થતા અદાલતી વહીવટમાં નવી વ્યવસ્થા ઉભી થશે. હાઇકોર્ટના આ નિર્ણયને ન્યાયતંત્રમાં પ્રશાસનિક સંતુલન અને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવા માટેનો મહત્વનો પગલું માનવામાં આવી રહ્યું છે.


