હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય
જીણામાં ઝીણી માહિતી આપવા અધિકારીઓને મેયરની સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના હિંગળાજ નગરના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવેલી નોટિસનો મામલો ગરમાયો છે. આ વિવાદ અંગે રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લએ જણાવ્યું છે કે, હિંગળાજ નગરનો આખો ઇસ્યુ મીડિયાના માધ્યમથી જ તેમના ધ્યાનમાં આવ્યો છે. તેમણે સમગ્ર મામલાની ઝીણવટભરી માહિતી આપવા સંબંધિત અધિકારીઓને આદેશ કરી દીધા છે. અને આગામી 2 દિવસમાં તમામ સત્તાવાર માહિતી મારી પાસે આવી જશે.
મેયરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, સામાન્ય રીતે આવી નોટિસ ઈસ્યુ કરવાની વહીવટી કામગીરીમાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટી કોઈ દખલગીરી કરતી નથી હોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વર્ષ 2018માં નિયમ 260 (1) મુજબની નોટિસ રહીશોને પાઠવવામાં આવી હતી. જ્યારે હાલ નિયમ 260 (2) મુજબની નોટિસ મેયર નેહલ શુક્લના વર્તમાન કાર્યકાળ દરમિયાન પાઠવવામાં આવતા ભારે ચર્ચાઓ ઉઠી છે.
ત્યારે હવે એ જોવાનું રહેશે કે, હંમેશા કરકસર અને સરકારી નાણા બચાવવાની વાતો કરનાર મેયર અગાઉના સત્તાધિશો દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરશે કે પછી બિલ્ડરને કરોડો-અબજો રૂપિયાની કિંમતી જમીન સોંપી દેવામાં આવશે? રહીશો પણ હવે આ મામલે મનપાના આગામી વલણ પર નજર રાખીને બેઠા છે.
રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીની નિમણૂક થયા બાદથી જ સફાઈ કામદારોને લગતા વિવિધ ગંભીર ભ્રષ્ટાચાર અને કૌભાંડો બાબતે રાજકોટ કામદાર યુનિયન દ્વારા વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જેમાં જી.ડી અમજેરા કૌભાંડ, ડમી સફાઈ કામદારો, ફેસ રીડિંગ મશીનની ગેરરીતિઓ, પીએફ, ઈ.એસ.આઈ.સી., બોનસ સંબંધિત પ્રશ્નો તેમજ બોગસ મેડિકલ સર્ટિફિકેટના કૌભાંડો સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે.


