જેતપુરના ચારણીયા ગામમાં કારમાંથી દેશી દારૂ ઝડપી લેવાયો
રૂ.3.૬૧ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે જેતપુર તાલુકા ચારણીયા ગામ નજીક દેશી દારૂના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી રૂ. ૩,૬૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમેં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ. કોસ્ટેબલ મનીષભાઈ વરૂ તથા મનદીપસિંહ જાડેજા, ભરતભાઈ ગમારાને મળેલી બાતમીના આધારે, ચારણીયા ગામ નજીક જાહેર રોડ પરથી શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કાર (નં. GJ-03-CE-1820) ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ૭૫૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૫૧,૦૦૦ થાય છે.
પોલીસે સ્થળ પરથી રાજ ઉર્ફે બાબર પ્રવીણભાઇ સરવૈયા અને દેવશીભાઇ મેરામણભાઇ રાણાવાયા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કામગીરીમાં દારૂના જથ્થા ઉપરાંત રૂ. ૨,૦૦,૦૦૦ની કાર અને રૂ. ૧૦,૦૦૦ની કિંમતના બે મોબાઈલ મળીને કુલ રૂ. ૩,૬૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં અજય નામના અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી દેવશીભાઇ રાણાવાયા વિરુદ્ધ અગાઉ પણ જેતપુર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.તેમજ રાજ ઉર્ફે બાબર પ્રવીણભાઇ સરવૈયા વિરુદ્ધ અગાઉ તાલુકા પોલીસમાં પ્રોહિબિશનનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.


