પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
સોમનાથ સમૂહ લગ્નની ફી ભરી પરત ફરતાં અકસ્માત, અજાણ્યા વાહનચાલકની ઠોકરથી નિધન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે, જેમાં ‘હિટ એન્ડ રન’ અકસ્માતે એક પરિવારના મોભીનું જીવન છીનવી લીધું છે. દિકરાના લગ્નને ગણતરીના દિવસો બાકી હતા ત્યારે પિતાના અવસાનથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એક તરફ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, તો બીજી તરફ આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી નાખ્યો છે.
માહિતી મુજબ, કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા દેવશીભાઈ ખીમાભાઈ વેગડા (ઉંમર 55) તા. 27 એપ્રિલના રોજ સોમનાથ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ માટે ફી ભરવા ગયા હતા. તેમના દિકરાના લગ્ન 9 મેના રોજ નક્કી થયેલા હતા અને તે માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓ પોતાના મોટરસાઈકલ પર પરત ઘરે ફરી રહ્યા હતા.
જ્યારે તેઓ જુનાગઢ જિલ્લાના ચોકી વડાલ નજીક પહોંચ્યા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત બાદ આરોપી વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં દેવશીભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.
સ્થાનિક લોકોની મદદથી તેમને તરત જ સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ગત સાંજે દેવશીભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.
દેવશીભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવાર પર આફત તૂટી પડી હતી. તેઓ ત્રણ ભાઈ અને બે બહેનમાં ત્રીજા હતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં એક દિકરાના લગ્ન માટે આખું પરિવાર ઉત્સાહમાં હતું, પરંતુ આ દુર્ઘટનાએ તમામ ખુશીઓમાં શોકનું રૂપ લઈ લીધું.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, દેવશીભાઈ પોતાના દિકરાના લગ્ન માટે ખૂબ ઉત્સાહિત હતા અને તમામ તૈયારીઓમાં પોતે સક્રિય હતા. પરંતુ લગ્નના માત્ર પાંચ દિવસ પહેલાં જ તેમના અવસાનથી સમગ્ર પરિવાર માટે આઘાતજનક સ્થિતિ સર્જાઈ છે.
હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા બનાવની જાણ જુનાગઢ તાલુકા પોલીસને કરવામાં આવી છે. પોલીસ દ્વારા ‘હિટ એન્ડ રન’ મામલે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
એક તરફ લગ્નની ખુશી અને બીજી તરફ મોભીની વિદાય, આવી વિપરિત પરિસ્થિતિએ વેગડા પરિવારને ગમગીન બનાવી દીધો છે.


