જાફરાબાદ નજીક બે કાર અને બાઇક ગમખ્વાર અકસ્માત : બાઇક ચાલક વૃધ્ધનું મોત
હેમાળ ગામ પાસે અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા; નેશનલ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનચાલકો ફસાયા
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અને હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા હેમાળ ગામ પાસે બે ફોર-વ્હીલર કાર અને એક ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ત્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટુ-વ્હીલર ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની મળતી વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા કમનસીબ વૃદ્ધની ઓળખ નાગજીભાઈ વલ્લભભાઈ સાવલિયા (ઉંમર વર્ષ 77) તરીકે થઈ છે, જેઓ ચોત્રા ગામના રહેવાસી હતા. તેઓ પોતાના ટુ-વ્હીલર પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હેમાળ ગામ નજીક બે બેકાબૂ ફોર-વ્હીલર કાર અને તેમની બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે નાગજીભાઈએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. મૃતક વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જાફરાબાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની આ ઘટના અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળની સ્થિતિનો તાગ મેળવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને ગુનો નોંધીને અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. વૃદ્ધના મોતના સમાચારથી ચોત્રા ગામ અને તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.


