પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજસ્થાનથી લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તારણ: પડીકીઓ બનાવી વહેંચે તે પહેલા જ ૪૨ લાખનો મુદ્દામાલ SOGએ જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે સક્રિય રહેતી એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને પકડી લીધો છે. રૈયા રોડ બ્રહ્મસમાજ કનૈયા ચોક નજીક દરજી જ્ઞાતિની વાડીની સામે શિવપરા-૫માં રહેતાં ઇરફાન ઉર્ફે રોમીયો હનીફભાઇ ચાનીયા (ઉ.વ.૩૪)ને તેના ઘરમાંથી રૂા. ૪૨૩૦૦ના માદક પદાર્થ એમડી (મેફેડ્રોન) સાથે ઝડપી લીધો છે. આવા જ ગુનામાં નવ મહિના જેલમાં રહેલો આ શખ્સ પખવાડીયા પહેલા જ જેલમાંથી છુટયો હતો. ફરીથી તે આ પદાર્થ રાજસ્થાન તરફથી લાવ્યો હતો. પણ પડીકીઓ બનાવી વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો.
શહેર પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ ચાલી રહી હોઇ એસઓજીની ટીમ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા સેવન કે વેંચાણ કરનારાઓને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ઇન્દ્રજીતસિંહ અને હેડકોન્સ. દિગ્વીજયસિંહને બાતમી મળતાં શિવપરા-૫માં રહેતાં ઇરફાન ઉર્ફે રોમીયોના ઘરમાં દરોડો પાડી તેને રૂા. ૪૨૩૦૦ના એમડી ડ્રગ્સ સાથે પકડી લઇ મોબાઇલ પ હજારનો અને રૂા. ૨૦૦ રોકડા પણ કબ્જે લીધા હતાં.
આ પદાર્થ ખરેખર ડ્રગ્સ છે કે નહીં તેની ત્વરિત ખાતરી કરવા માટે એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેઓએ પ્રાથમિક પરીક્ષણ કરીને આ જથ્થો મેફેડ્રોન હોવાનો અભિપ્રાય આપ્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો. ઇરફાન ઉર્ફે રોમીયો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ વર્ષ ૨૦૨૫માં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.સી. એક્ટ મુજબ ડ્રગ્સના ગુનાઓ નોંધાઈ ચુક્યા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ઇન્ચાર્જ વી. બી. જાડેજાની રાહબરીમાં એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ ઇન્દ્રજીતસિંહ, ફિરોઝભાઇ, અરૂણભાઇ, વિરેન્દ્રસિંહ, હેડકોન્સ. દિગ્વીજયસિંહ, કોન્સ. હાર્દિકસિંહ, યોગેન્દ્રસિંહ, કોન્સ. નિર્મળસિંહ અને નરેશભાઇએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલો ઇરાફન રાજસ્થાનના પ્રતાપગઢથી લાવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો જાણવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે.


