જામનગરના મહિલા કોર્પોરેટરના હિસ્ટ્રીશીટર પુત્રની ચોટીલાથી ધરપકડ કરતી રેન્જની ટીમ
વાંકાનેરના બે કરોડના દારૂના કેસમાં ફરાર હતો; હત્યા, હત્યાના પ્રયાસ સહિત 19થી વધુ ગુનાઓનો છે ઇતિહાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા જામનગરના કુખ્યાત હિસ્ટ્રીશીટર હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયાને રાજકોટ રેન્જ પોલીસની ટીમે ચોટીલા નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓનો લાંબો રેકોર્ડ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પીઆઈ અપૂર્વ પટેલની દેખરેખમાં પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા સહિતની ટીમો સક્રિયપણે કામગીરી કરી રહી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે ચોટીલા નજીક લાલા રઘુવંશી હોટલ પાસે જાહેર માર્ગ પરથી હિતેશ ઉર્ફે વાંગોને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને જરૂરી કાયદાકીય કાર્યવાહી માટે ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોલીસ રેકોર્ડ મુજબ હિતેશ બાંભણીયા સામે અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમાં બે હત્યા, બે હત્યાના પ્રયાસ, લૂંટના પ્રયાસનો એક ગુનો, પાંચ મારામારીના કેસ, ચાર પ્રોહિબિશનના ગુનાઓ ઉપરાંત અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન પણ તેની સામે જામનગરમાં હત્યાના પ્રયાસ અને દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે પકડાયેલો હિતેશ બાંભણીયા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણીયાનો પુત્ર છે. આરોપીની ધરપકડમાં રાજકોટ રેન્જની ટીમના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


