જસાપરમાં ધોળા દિવસે વૃદ્ધાને નિશાન બનાવી સોનાના બુટીયા તફડાવ્યા
85 વર્ષીય મહિલા ઘરના ફળિયામાં આરામ કરી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ઘૂસ્યા; કેફી પદાર્થનો ઉપયોગ કર્યાની આશંકા
અગ્ર ગુજરાત, રાજકોટ
જામકંડોરણા તાલુકાના જસાપર ગામમાં ધોળા દિવસે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી સોનાના બુટીયા તફડાવી ફરાર થઈ ગયેલા બે અજાણ્યા શખ્સોના કૃત્યથી ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળિયામાં એકલા આરામ કરી રહેલી 85 વર્ષીય મહિલાના કાનમાંથી અંદાજે રૂ.35 હજારના સોનાના બુટીયા કાઢી લઈ આરોપીઓ પલાયન થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જસાપર ગામમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા હેમંતભાઈ બચુભાઈ વેકરીયાએ જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેમના 85 વર્ષીય માતા જયાબેન એકલા રહેતા હતા. પરિવારના અન્ય સભ્યો બહારગામ હોવાથી તેઓ પોતાના નિવાસસ્થાને એકલવાયું જીવન વિતાવી રહ્યા હતા. ગઈકાલે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં જયાબેન ઘરના ડેલા પાસે બારણું ખુલ્લું રાખીને ખાટલા પર આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક શખ્સ ઘરની બહાર નજર રાખી રહ્યો હતો, જ્યારે બીજો અંદર પ્રવેશ્યો હતો.
ફરિયાદ મુજબ અંદર આવેલા શખ્સે વૃદ્ધા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો અને શેમ્પૂ જેવી કોઈ વસ્તુ બતાવી હતી. ત્યારબાદ થોડા જ સમયમાં મહિલાના કાનમાં પહેરેલા સોનાના બે બુટીયા ગાયબ હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જયાબેને પોતાના પુત્રને ઘટનાની માહિતી આપી હતી. ત્યારબાદ હેમંતભાઈ તરત જ ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ કોઈ કેફી પ્રવાહી અથવા બેભાન કરી દે તેવો પદાર્થ મહિલાને પીવડાવ્યો કે છાંટ્યો હોઈ શકે છે. કારણ કે ઘટનાના સમયે શું બન્યું તેની સ્પષ્ટ વિગતો વૃદ્ધા આપી શક્યા નથી. જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
જામકંડોરણા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની હિલચાલ અને ઓળખ મેળવવા માટે ટેક્નિકલ તેમજ માનવ સૂત્રોનો સહારો લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ, વિસ્તારમાં વધતી ગુનાખોરીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. થોડા સમય અગાઉ જામકંડોરણાના વૈભવનગર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. 65 વર્ષીય મહિલાની ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ ઘરેથી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. તે કેસનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. હવે જસાપર ગામમાં બનેલી નવી ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો છે. ખાસ કરીને એકલા રહેતા વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે અને ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરી છે.


