જેતપુરના કણકિયા પ્લોટમાં વિફરેલી ગાયના આતંકથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત
રસ્તા પર નીકળતા લોકો, વાહન ચાલકોમાં ભયનો માહોલ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ ફરી એકવાર ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક ગાયને હડકવો ઉપડતા તેણે આતંક મચાવ્યો હતો. રસ્તા પર ગાય વિફરતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓને ગાયે ઈજા પહોંચાડી હતી.
મળતી માહિતી મુજબ, શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક ગાયને હડકવો ઉપડતા તેણે આતંક મચાવ્યો હતો. હડકાયેલી ગાયે રસ્તા પરથી પસાર થતા લોકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા જેતપુર નગરપાલિકાને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેના પગલે નગરપાલિકાનો સ્ટાફ અને સ્થાનિક ગૌસેવકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
જેતપુરમાં રખડતા ઢોરનો પ્રશ્ન કાયમી માથાનો દુખાવો બન્યો છે. અવાર-નવાર રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકો ભોગ બને છે, તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી નહિવત જોવા મળી રહી છે. તંત્રની આ ઉદાસીનતાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે, વહીવટી તંત્ર રખડતા ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરે અને શહેરના માર્ગોને ઢોર મુક્ત બનાવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.


