પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
મીડિયા મહાસંમેલનમાં વૈશ્વિક શાંતિની આવશ્યકતા – મીડિયાની ભૂમિકા પર ચર્ચા
આબુરાજ સ્થિત જ્ઞાન સરોવરમાં મીડિયા પર મંથન
અગ્ર ગુજરાત, આબુરાજ
૨ મે ૨૬ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય આબુરાજ (માઉન્ટ આબુ) માં આ દિવસોમાં મીડિયા મહાકુંભ યોજાયો હતો. સંસ્થાના મીડિયા વિભાગ દ્વારા આયોજિત મહાસંમેલનમાં દેશભરના દિગ્ગજ પત્રકારો, ચિંતકો, વિચારકો, મીડિયા શિક્ષકો મળીને ચિંતન-મંથન કર્યુ હતું. શુક્રવારે ઉદ્ઘાટન સત્રમાં ‘વૈશ્વિક શાંતિની આવશ્યકતામાં મીડિયાની ભૂમિકા’ વિષય પર દેશભરમાંથી પધારેલા વિદ્વાન વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કુશાભાઉ ઠાકરે પત્રકારત્વ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ અને મુખ્ય વક્તા પ્રો. ડો. માનસિંહ પરમારે સંબોધિત કરતા કહ્યું કે જ્યારે તમે તમારા કર્મસ્થળ પર પાછા ફરો ત્યારે એક નવો સંકલ્પ લઈને પાછા ફરો કે આપણે વિશ્વ શાંતિમાં શું યોગદાન આપી શકીએ છીએ. આજે સમગ્ર વિશ્વમાં પરમાણુ બોમ્બની હરીફાઈ લાગી છે. માનવતાનો પક્ષ રાખનાર કોઈ નથી. આજે સમાચાર પત્રોમાં પ્રથમ પાનાની હેડલાઇન માત્ર હિંસા અને યુદ્ધની હોય છે. એક મુરલી શ્રી કૃષ્ણે વગાડી હતી, આજે આ સંગમયુગમાં બાબાની મુરલીના માધ્યમથી વિશ્વમાં શાંતિની લહેરો ફેલાવી રહ્યા છે. પરમાત્મા શિવ બ્રહ્મા મુખથી જ્ઞાનનો સંચાર કરી રહ્યા છે. બાબાએ મુરલીના માધ્યમથી જે સંવાદ અને પ્રત્યાયન કર્યું, તે લોકોમાં દિવ્ય ગુણો ભરી રહ્યા છે. જો આજે આપણા પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે. શુભ ભાવનામાં આખી નૈતિકતા અને તમામ જ્ઞાનનો સાર સમાયેલો છે. બાબાએ જે પવિત્રતા, ઈમાનદારી અને સત્યતાનો પાઠ ભણાવ્યો, તેની જરૂર તમામ ક્ષેત્રોમાં છે, પછી તે પત્રકારત્વ હોય કે રાજનીતિનું ક્ષેત્ર. ઇલેક્ટ્રોનિક મીડિયા આખો સમય બ્રેકિંગ અને લાઈવમાં લાગેલું રહે છે. એટલા માટે ત્યાં શાંતિની વાત કરવી જરૂરી છે. શાંતિ સ્થાપનામાં ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. એ પણ સાચું છે કે મીડિયાનું કાર્ય સત્ય સૌની સામે રાખવાનું છે, પરંતુ સત્ય બતાવતી વખતે તેણે સંવેદનશીલ પણ બનવું પડશે. પત્રકારત્વ માત્ર માહિતી આપવાનું કામ નથી, પરંતુ મીડિયાનું કામ સામાજિક નિસ્બત પણ છે. સોશિયલ મીડિયા શાંતિની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
બુલઢાણાથી આવેલા દૈનિક દેશોન્નતિના સંપાદક ડો. રાજેશ રાજૌરેના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. મધુરવાણી ગ્રુપે સ્વાગત ગીતથી વાતાવરણ જમાવ્યું. ડાયમંડ ડાન્સ ગ્રુપની કુમારી નીતાએ સ્વાગત નૃત્ય રજૂ કરીને દેશભરથી આવેલા અતિથિઓને ભાવવિભોર કરી દીધા. મીડિયા વિંગના છત્તીસગઢ રાજ્ય સંયોજક બીકે મંજૂ દીદીએ ઉદ્ઘાટન સત્રનું સફળ સંચાલન કર્યું હતું.


