જયુબેલી શાકમાર્કેટના નવિનિકરણનો મુદ્દે ગાંધીનગર સુધી પહોંચ્યો
રાજય સરકારને હસ્તક્ષેપ કરવા વેપારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત : શહેર ભાજપને આવેદન : યોગ્ય નિર્ણય નહી લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની ઐતિહાસિક જયુબેલી શાકમાર્કેટના નવીનિકરણ પાછળ થનાર ૨૯ કરોડના ખર્ચને લઇને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને માત્રિ રિનોવેશનની રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે તંત્રની રાજહઠ સામે વેપારીઓએ પણ મોરચો માંડી અને આ મુદ્દે છેક ગાંધીનગર સુધી મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યો છે.
આ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે માર્કેટમાં તાત્કાલિક નવા બાંધકામની કોઈ જરૂરિયાત ન હોવા છતાં રૂપિયા ૨૯ કરોડથી વધુના ખર્ચાળ નવીનીકરણ માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. બીજી તરફ, વેપારીઓને યોગ્ય રીતે વિશ્વાસમાં લીધા વગર માર્કેટ ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે નાના વેપારીઓમાં ભય અને અનિશ્ચિતતા ફેલાઈ છે.
વેપારીઓનો આક્ષેપ છે કે જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે, વેપારીઓના હિતોની અવગણના થઈ રહી છે, કોઈપણ પ્રકારની પૂર્વ ચર્ચા કે સંકલન કરવામાં આવ્યું નથી. જ્યુબેલી માર્કેટમાં હાલમાં અનેક સ્ટોલ ખાલી હોવા છતાં ખર્ચાળ બાંધકામનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વ્યવહારિક દૃષ્ટિએ પણ યોગ્ય માનવામાં આવતો નથી.
આ સંદર્ભમાં, જ્યુબેલી શાકમાર્કેટ ભાગ-૧ તથા ભાગ-૨ વેપારી મંડળ દ્વારા આ મુદ્દે રાજ્ય સ્તરે હસ્તક્ષેપ માટે મુખ્યમંત્રીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે રાજકોટ શહેર ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરી આ મુદ્દે સંગઠન સ્તરે હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે.
વેપારીઓએ જણાવ્યું છે કે, “આ મુદ્દો માત્ર માર્કેટનો નથી, પરંતુ નાના વેપારીઓના જીવન અને રોજગાર સાથે જોડાયેલો છે. જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં વ્યાપક વિરોધ અને આંદોલન હાથ ધરવામાં આવશે.” વેપારીઓએ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસનને અપીલ કરી છે કે જાહેર હિત અને પારદર્શક શાસનના સિદ્ધાંતોને અનુસરતા આ મુદ્દે તાત્કાલિક ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે.
વેપારીઓની મુખ્ય માંગણીઓ:
રૂપિયા ૨૯ કરોડથી વધુના બિનજરૂરી ટેન્ડરને તાત્કાલિક રદ કરવામાં આવે
વેપારીઓને બળજબરીપૂર્વક સ્થળાંતર ન કરવામાં આવે
માત્ર જરૂરી રિનોવેશન દ્વારા માર્કેટનો વિકાસ કરવામાં આવે
ભવિષ્યમાં વેપારીઓની સહમતી વિના કોઈ નિર્ણય ન લેવાય


