લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી
કલીનઅપ ગ્રુપ દ્વારા કરાયેલી સફળ રજુઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વ યોગ દિવસ નિમિત્તે ક્લીનઅપ ગ્રુપ રાજકોટ દ્વારા ગઇકાલે વહેલી સવારે યોગ કાર્યક્રમ સાથે લાલપરી લેક ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાન દરમિયાન લેકમાં ફેલાયેલો ભારે પ્રમાણમાં કચરો અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ જોવા મળતાં ક્લીનઅપ ગ્રુપના વોલન્ટિયર્સમાં રોષ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે ક્લીનઅપ ગ્રુપ રાજકોટ દ્વારા આશરે ત્રણ મહિના પહેલાં જ સમગ્ર લાલપરી લેકનું વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવીને આખું તળાવ સાફ કરવામાં આવ્યું હતું. છતાં ફરીથી કચરાનો ઢગલો સર્જાતા ક્લીનઅપ ગ્રુપ માં અસંતોષ જોવા મળ્યો હતો.
સ્થળ પર જ ક્લીનઅપ ગ્રુપના સભ્ય સંજય કાકડિયાએ વોર્ડ નંબર ૫ના તમામ કોર્પોરેટરોને તાત્કાલિક બોલાવ્યા. ઘટના અંગે માહિતી મળતાં જ કોર્પોરેટર સંજયભાઈ ચાવડા અને સ્મિતાબેન ગોહિલ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ સંજય કાકડિયાએ મેયર સાથે સીધી વાતચીત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમણે જણાવ્યું હતું કે જલાશયમાં ફેંકાતો ઇન્ડસ્ટ્રિયલ કચરો પાણીને ઝેરી બનાવે છે, જેના કારણે માછલીઓ અને અન્ય જળચર જીવજંતુઓના મૃત્યુની શક્યતા વધે છે. આ જ પાણી શહેરના નાગરિકો સુધી પહોંચતું હોવાને કારણે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લઈને મેયરે બે દિવસની અંદર JCB મશીન દ્વારા સમગ્ર લેક વિસ્તારમાંથી કચરો દૂર કરવાની ખાતરી આપી હતી. સાથે જ લાલપરી લેકમાં હવે પછી ઇન્ડસ્ટ્રિયલ કચરો ન નાખાય તેની પણ ખાતરી આપવામાં આવી હતી.
આ અભિયાન દ્વારા ક્લીનઅપ ગ્રુપ દ્વારા નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે જલાશયોમાં કચરો ફેંકવો અયોગ્ય છે અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે.
હવે જોવાનું ઈ રહ્યું કે શું રાજકોટના મેયર ડો.નેહલ શુક્લા લાલપરી તળાવમાં નાખતો ઇન્ડસ્ટ્રિયલ કચરો અટકાવી શકે છે કે નહીં ?


