મનપાની ૧૮ વોર્ડની ચૂંટણીના ૧૦૧૪ મતદાન મથકો પર EVMની ફાળવણી
૧૨૧૭ બેલેટ અને ૧૨૧૭ કંટ્રોલ યુનિટની ફાળવણી : વધારાની વ્યવસ્થા કરાઇ
રીસીવિંગ-ડિસ્પેચીંગ સેન્ટરમાં મશીનો મોકલાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં સરકારી તંત્ર પણ સંશાધનને લઇને હરતમાં આવ્યું છે. ગણતરીના દિવસો જ બાકી હોવાથી મતદાન માટે મહત્વના ગણાતા ઇલેકટ્રોનીક મશીનની ફાળવણી શરૂ કરવામાં આવી છે. આજે સરકારી વાહનોમાં વિવિધ મતદાન મથકો પર વોટીંગ મશીન ફાળવણીની કામગીરી કરાઇ હતી. ફાળવણી સમયે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. વિવિધ વોર્ડમાં આવેલા રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં કુલ ૧૦૧૪ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ આજે બેલેટ યુનિટ (BU) અને કંટ્રોલ યુનિટ (CU)ની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ મથકો માટે ૧૨૦ ટકા લેખે કુલ ૧૨૧૭ બેલેટ યુનિટ અને ૧૨૧૭ કંટ્રોલ યુનિટની ફાળવણી નક્કી કરવામાં આવી હતી. જરૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂપે ૧૩૪૦ બેલેટ યુનિટ અને ૧૨૮૦ કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોઈપણ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તે હેતુથી આ વધારાના મશીનોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે.મૂછારે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં કુલ 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જેને લઈને શહેરના કેના રોડ ઉપર આવેલા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાખાના એવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતેથી આજે 16 એપ્રિલના બેલેટ યુનિટ (BU) અને કંટ્રોલ યુનિટ (CU)ની ફાળવણી કરવામાં આવી છે. જે સીલ કરી પોલીસ પ્રોટેકશન સાથે અલગ અલગ મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે.


