ગુડ ન્યૂઝ : સાંઢીયા પૂલ તૈયાર, ૧૦ દિ’માં સંભવિત લોકાર્પણ
મનપાના પદાધિકારીઓની નિયુકિત બાદ તૂરંત ખૂલ્લો મૂકવાની ચાલતી તૈયારીઓ, દૈનિક દોઢ લાખથી વધારે દોડતા વાહન ચાલકોને ઇંધણ અને સમયની બચત થશે
ટૂંક સમયમાં બે વર્ષની હાડમારીનો અંત આવશે : એસટીને પણ પાંચ કિલોમીટરનું અંતર ઘટશે
અગ્ર ગુજરાત, રાજકોટ
જામનગર રોડ પર શહેરના ઐતિહાસિક સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવાના આરે છે અને ટુંક સમયમાં તેને ખુલ્લો મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મનપાના પદાધિકારીઓની નિમણુંક બાદ તુરંત ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી છે. સંભવિત ૧૦ દિવસમાં એક લાખથી વધારે વાહન ચાલકોને રાહત મળશે.
રાજકોટ જામનગર રોડ પર 46 વર્ષ જુના સાંઢિયા પુલની જર્જરિત હાલત હોવાથી રૂ.74.32 કરોડનાં ખર્ચે તેના નવીનીકરણ સાથે ફોરલેન બ્રિજ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી 7 માર્ચ 2024ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પછી મેં 2024થી લોકોની અવરજવર માટે આ પુલને બંધ કરી ડાયવર્ઝન જાહેર કરી બાદમાં પુલને તોડી ફોરલેન બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે બે વર્ષના અંતે સાંઢિયો પુલ ફોરલેન ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ચુક્યો છે જેના થકી રોજ બરોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા અને રાજકોટથી જામનગર તેમજ દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
46 વર્ષ પહેલા અહીંયા ટુ-લેન પુલ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે સાંઢિયાપુલ તરીકે ઓળખાતો હતો સમય જતા તેની હાલત જર્જરિત બનતા પહેલા ભારે વાહનોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને બાદમાં મનપા દ્વારા તેના નવીનીકરણ માટે નિર્ણય કરી આ પુલને ડિસ્મેન્ટલ કરી નવો ફોરલેન ફલાયઓવર બ્રિજ બનાવવા નિર્ણય કર્યો હતો. આજે નવા બનીને તૈયાર થયેલા આ બ્રીજની પહોળાઈ 16.40 મીટર અને લંબાઈ 602 મીટર કરવામાં આવી છે. અને નવા બનેલા બ્રિજમા સ્પાનની સંખ્યા 20 અને એક સેન્ટ્રલ સ્પાન મળી કુલ 21 સ્પાન બનાવવામાં આવ્યા છે. આ પૈકી સેન્ટ્રલ સ્પાનની લંબાઇ 36 મીટર રાખવામાં આવી છે.
સ્ટ્રોમ વોટરનાં નિકાલ માટે પણ ખાસ બે આર.સી.સી. બોક્ષ કલવર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બ્રિજમાં આર.સી.સી. વોલની લંબાઇ અંદાજીત 168 મીટર રાખવામાં આવી છે. આ બ્રીજ બનવાથી રાજકોટનાં લાખો લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. જેમાં હોસ્પિટલ ચોકથી રેલનગર, બજરંગવાડી, શીતલપાર્ક, માધાપર, ઘંટેશ્વર, મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર જવા માટે લોકો સરળતાથી આ બ્રિજનો ઉપયોગ કરી શકશે જેથી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે સાથે સાથે સમય અને ઇંધણનો પણ બચાવ થશે.
રાજકોટ બસપોર્ટથી નીકળી એસટી બસ હાલમાં ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ થઇ માધાપર ચોક પહોંચે છે. આ કુલ અંતર 10 કિલોમીટરનું થાય છે જેમાં 30 મિનિટ જેટલો સમય પણ લાગે છે જયારે બ્રિજ શરૂ થતા માત્ર 15 મિનિટમાં માધાપર પહોંચી શકાશે અને અંતર પણ 10 કિલોમીટરથી ઘટીને અડધું એટલે કે 5 કિલોમીટર થઇ જશે. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં પદાધિકારીઓની વરણી કરાયા બાદ નવનિર્મિત સાંઢિયાપુલના લોકાર્પણનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.


