મહાનગરપાલિકા દ્વારા “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬”ની ઉત્સાહભેર ઉજવણી
ત્રણ દિવસીય અભિયાન અંતર્ગત વધુમાં વધુ બાળકોને પ્રારંભિક શિક્ષણ, પોષણ અને આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેન ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે સુમેળ સાધી, આ વિશેષ અભિયાન તા. ૨૩ જૂન, ૨૦૨૬ થી ૨૫ જૂન, ૨૦૨૬ દરમિયાન શહેરની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે રાજકોટ શહેરના ધારાસભ્યઓ ભાનુબેન બાબરિયા, ઉદયભાઈ કાનગડ અને રમેશભાઈ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેન ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, શહેર ભાજપના હોદ્દેદારઓ, સ્થાનિક કોર્પોરેટરઓ, વોર્ડના મહામંત્રીઓ, પ્રમુખઓ, ઉપપ્રમુખઓ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, ICDS વિભાગના અધિકારીઓ, કન્સલ્ટન્ટઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, વાલીઓ તથા મોટી સંખ્યામાં બાળકો કાર્યક્રમમાં જોડાયા હતા.
પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને તિલક કરી, કંકુ પગલા કરાવી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જવા રંગોળી, બલૂન ડેકોરેશન, બાળમિત્ર સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


