NEETની તૈયારી કરતા અમદાવાદના વિદ્યાર્થિનો આપઘાત
પરીક્ષાના ત્રણ દિવસ અગાઉ જ ન્યુ રાણીપમાં ફલેટના છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી લગાવી મોતની છલાંગ : પરિવાર આઘાતમાં
અગ્ર ગુજરાત, અમદાવાદ
નીટની રી-એકઝામને હવે માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. નીટની તૈયારી કરતા એક વિદ્યાર્થીએ ફલેટમાંથી પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પરિવાર સહિત વિસ્તારના લોકો પણ આઘાતમાં સરી પડયા છે.
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
14 માળના ફ્લેટ છે જેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. ફ્લેટમાં માતા અને બે બાળકો જ રહેતા હતા. મૃતકના પિતા સુરતમાં રહે છે.
કોયંબતૂરમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા
તમિલનાડુના કોઈમ્બતૂરમાં NEETની તૈયારી કરી રહેલી 19 વર્ષીય અનુકીર્તનાએ બુધવારે(17 જૂન) આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના સંબંધીને વોટ્સએપ પર લખ્યું કે મને ફરીથી પરીક્ષા આપતા ડર લાગી રહ્યો છે. મારા પિતાએ મારા પર ઘણા પૈસા ખર્ચ કર્યા છે. હું તેમનો સામનો કેવી રીતે કરી શકીશ.
તેણે વધુમાં લખ્યું કે હું મેડિકલ કોલેજમાં પ્રવેશની રાહ જોઈ રહી હતી, પરંતુ પરીક્ષા રદ થઈ ગઈ. અનુકીર્તના કોવઈપુદુરના પાર્ક ટાઉનની રહેવાસી હતી. તેના પિતા ટ્રેડ યુનિયનના જિલ્લા સચિવ છે. પરિવારમાં તેમની બે દીકરીઓ છે અને અનુકીર્તના મોટી દીકરી હતી.
પરિવારજનોએ પોસ્ટમોર્ટમ બાદ અનુકીર્તનાનો મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી. બાદમાં અધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી બુધવારે રાત્રે તેમણે મૃતદેહ સ્વીકારી લીધો હતો.
છેલ્લા બે દિવસમાં ત્રીજો બનાવ
છેલ્લા બે દિવસમાં NEETના વિદ્યાર્થીની આત્મહત્યા કરવાનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા 16 જૂને દેહરાદૂન ખાતે રિયા થાપા નામની 23 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. 12 મેના રોજ NEET પરીક્ષા યોજાઈ ત્યારથી, દેશભરમાં અત્યાર સુધીમાં અંદાજે 14 વિદ્યાર્થીઓએ જીવ આપ્યા છે.
રાજકોટમાં 5568 છાત્રોનું રજીસ્ટ્રેશન
રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પેપર લીકના ડરે વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા છે. જ્યારે રાજકોટની ફેકલ્ટીએ પણ વિદ્યાર્થીઓની વ્યથા વર્ણવતાં કહ્યું કે, NEET પરીક્ષા રદ થઈ એ બાળકો માટે મેજર ટ્રોમા હતો. હવે બીજી વખત જે એક્ઝામ આપશે તે મેન્ટલી સ્ટ્રોંગેસ્ટ બાળકો હશે.


