૧3 વર્ષ બાદ ખાલી થયેલા જળાશયની જળસંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યમાં અડચણ
ન્યારી-૨ ડેમમાંથી સ્વખર્ચે માટી કાઢતા ખેડૂતોને રોકતા વિવાદ
ખેડૂતોના વાહન જપ્ત કરાતા પાંચ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોનો ડેમ સાઇટ પર હલ્લાબોલ : યોગ્ય ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી નજીક આવેલા ન્યારી-2 ડેમ ખાતે જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા શરૂ કરાયેલા ભગીરથ કાર્યમાં વહીવટી તંત્ર અડચણરૂપ બનતા ભારે વિવાદ સર્જાયો છે. 13 વર્ષ બાદ ખાલી થયેલા ન્યારી-2 ડેમમાંથી પાણીની સંગ્રહ શક્તિ વધારવા અને પોતાના ખેતરોને ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતો સ્વખર્ચે માટી કાઢી રહ્યા હતા. સિંચાઈ વિભાગ અને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી અટકાવી દેવામાં આવતા અને ખેડૂતોના વાહનો જપ્ત કરાતા પાંચ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ડેમ સાઇટ પર એકઠા થઈ ગયા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે તંત્રના આવા નકારાત્મક વલણને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ન્યારી-2 ડેમ એ તરઘડી, રંગપર, મોટા રામપર, ખંઢેરી અને ખંભાળા જેવા આસપાસના પાંચથી વધુ ગામોના ખેડૂતો માટે સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટેનો મુખ્ય સ્ત્રોત છે. લાંબા સમય બાદ ડેમનું તળિયું દેખાતા, આગામી ચોમાસામાં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવા હેતુથી આ પાંચેય ગામના ખેડૂતોએ પોતાના ખર્ચે જેસીબી, હિટાચી અને ડમ્પર જેવા સાધનો લગાવીને ડેમમાંથી કાંપ અને માટી દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. ડેમ જેટલો ઊંડો થશે, તેટલો પાણીનો સંગ્રહ વધશે અને તેનાથી આસપાસના વિસ્તારોના કુવા તથા બોરના જળસ્તર ઊંચા આવશે. આ ઉપરાંત, ડેમમાંથી નીકળતી ફળદ્રુપ માટી પોતાના ખેતરોમાં નાખવાથી પાકનું ઉત્પાદન પણ સારું મળે તેમ હોવાથી ખેડૂતો હોંશે-હોંશે આ કામ કરી રહ્યા હતા. પરંતુ આ લોકઉપયોગી કાર્યમાં વહીવટી તંત્રે અડચણ ઊભી કરતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
રંગપર ગ્રામ પંચાયતના સરપંચ જયંતીભાઈ વેકરીયાએ આ અંગે વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ન્યારી-2 ડેમ રંગપર અને તરઘડી બંને ગામની સંયુક્ત માલિકીની સર્વે નંબરવાળી જમીનમાં આવેલો છે. અગાઉ 13 વર્ષ પહેલાં સરકાર શ્રીએ પોતાના ખર્ચે કોન્ટ્રાક્ટર રાખીને આ ડેમમાંથી માટી ઉપાડવાનું કામ ખેડૂતોને સોંપ્યું હતું. જ્યારે આ વર્ષે તો સરકારને 1 પણ રૂપિયાનો ખર્ચ કરવાનો થતો નથી. ખેડૂતો પોતાના જ ખર્ચે આખો ડેમ ઊંડો કરવા તૈયાર છે. ખુદ સરકારે અને સિંચાઈ વિભાગે પણ મંજૂરી આપીને જણાવ્યું છે કે ન્યારી-2 ડેમ જેટલો ઊંડો થાય તેટલો કરો. આપણા જળસંપત્તિ મંત્રી પાટીલજી પણ વારંવાર કહી રહ્યા છે કે કુવા અને બોર રિચાર્જ કરવા માટે જળાશયોને બને તેટલા ઊંડા કરો.
ખેડૂત અગ્રણી યશપાલભાઇએ જણાવ્યું કે, અહીં કોઈ ગેરકાયદેસર ખનન થતું નથી, તેમ છતાં તંત્ર દ્વારા ખોટી રીતે 3 ડમ્પર અને 1 હિટાચી મશીનને ડિટેઈન કરવામાં આવ્યા છે. હાલમાં ખેડૂતો માટે વાવણીનો સમય નજીક આવી રહ્યો છે અને તેઓ ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત છે, તેવા સમયે તંત્રની હેરાનગતિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ બાબતે આગામી સમયમાં 5 ગામના સરપંચો અને 8થી 10 ખેડૂત અગ્રણી પ્રોટોકોલનું પાલન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવા જશે અને જો આ સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
પાંચેય ગ્રામ પંચાયતો અને સરપંચોએ સંયુક્ત રીતે તંત્ર અને સરકારને અપીલ કરી છે કે, પ્રકૃતિ અને ખેડૂતોના હિત માટે વહીવટી તંત્ર નકારાત્મકતા છોડીને સહકાર આપે. સરકાર પાસે અમારી એ જ માંગણી છે કે ભવિષ્ય માટે કાયમી ધોરણે એવો નિયમ બનાવવામાં આવે કે જ્યારે પણ આ ડેમ ખાલી થાય, ત્યારે ખેડૂતોને પોતાના ખર્ચે માટી ઉપાડવાની અને ડેમ ઊંડો કરવાની વિનામૂલ્યે પરવાનગી આપવામાં આવે. જો ચોમાસા પહેલાં ડેમ ઊંડો કરવાની આ પ્રક્રિયા પૂરી નહીં થાય, તો આગામી દિવસોમાં વરસાદી પાણીના સંગ્રહ પર ખૂબ માઠી અસર થશે અને સમગ્ર વિસ્તારમાં શિયાળુ તેમજ ઉનાળુ પાક માટે પાણીની કટોકટી સર્જાવાની ભીતિ છે. વહીવટી તંત્ર આ લોકહિતના કાર્યને વહેલી તકે પુનઃ શરૂ કરવા દે તેવી માંગ સાથે ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.


