નીટ પેપરલીક કાંડના વિરોધમાં યુનિ.માં NSUIનું હવન
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરોના ઉગ્ર સુત્રોચ્ચાર : કુલપતિને આવેદન આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
નીટનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેની અસર દેશના લાખો વિદ્યાર્થીઓ પર પડી હતી. તેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા આજે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવન કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા તથા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરીના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NEET પરીક્ષામાં થયેલા પેપર લીક કાંડ અને શિક્ષણ પ્રણાલીમાં વધી રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.
યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં વિવિધ ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. અને હવે NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા પણ ભ્રષ્ટાચારથી બચી શકી નથી. જેના કારણે મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓ માનસિક તણાવ, નિરાશા અને અસુરક્ષાની ભાવનાનો ભોગ બની રહ્યા છે.
આજે અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વર્ષો સુધી કોચિંગ ક્લાસ, અભ્યાસ અને મહેનતમાં પોતાનો સમય અને પરિવારના પૈસા ખર્ચે છે, પરંતુ પેપર લીક જેવી ઘટનાઓના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ભાજપ સરકાર શિક્ષણ અને યુવાનોના પ્રશ્નોમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.
વિરોધ કાર્યક્રમ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. “પેપર લીક બંધ કરો”, “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરો” અને “યુવાધનને ન્યાય આપો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે NEET પેપર લીક કાંડની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
આ વિરોધ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકરો યજ્ઞેશ દવે , નરેન્દ્રભાઈ પટેલ , અલ્પેશ સાધરીયા , મયુર સાવલિયા , અક્ષાંશ ગૌસ્વામી , હિરલબા રાઠોડ , કૃણાલ ચૌહાણ , જલ્પેશ વાઘેલા , યાંશ તાળા , ફેનિલ વોરા, ચિંતન રાંક , યાજ્ઞિક ખૂટ , મોહિતસિંહ ગોહિલ, મનદીપ પાચાણી હાજર રહ્યા હતાં.


