હળવદના ખોડ ગામમાં જનતા રેડ ગ્રામજનોએ તોડી દેશી દારૂની ભઠ્ઠીઓ
રજૂઆત કરીને કંટાળી ગયેલા સ્થાનિકોએ જાતે જ હલ્લાબોલ કર્યા : પોલીસની કામગીરી સામે સવાલ
અગ્ર ગુજરાત, રાજકોટ
હળવદ તાલુકાના ખોડ ગામે ગઈકાલે ગ્રામજનોએ એકતા અને હિંમતનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં ગામના તળાવ કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટી જનતા રેડ કરી હતી. ગ્રામજનોએ જાતે જ ભઠ્ઠીઓ ઝડપી પાડી મોટી માત્રામાં રહેલો મુદ્દામાલ નાશ કરી નાખ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, જનતા રેડ બાદ લગભગ બે કલાક પછી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસે પોતાની ફરિયાદમાં પેટ્રોલિંગ દરમિયાન રેડ કરી રૂ.1,06,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું દર્શાવ્યું છે. જેના કારણે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે પોલીસ માત્ર વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ પહોંચે તે પહેલા જ લોકોએ ભઠ્ઠીઓ ખાલી કરાવી દીધી હતી. બીજી તરફ અજીતગઢ ગામની સીમમાં મહિલા સરપંચના પતિની વાડીએ પણ પોલીસે રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે.
ખોડ ગામના લોકોએ સ્પષ્ટતા કરી છે કે ગામનો કોઈ વ્યક્તિ દારૂના ધંધા સાથે સંકળાયેલ નથી. 10 થી 15 કિલોમીટર દૂરથી લોકો આવી આ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવે છે. વિસ્તારમાં 150 થી 200 જેટલા નાના-મોટા તળાવો આવેલા હોવાથી બૂટલેગરો માટે આ વિસ્તાર સલામત ગણાય છે.
ઘુડખર અભયારણ્ય નજીક આવેલા વિસ્તારમાં રાત્રિના સમયે ફાયરિંગના અવાજો આવતાં હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. જેના કારણે પશુપાલકો, મહિલાઓ તેમજ વન્યજીવો માટે જોખમ ઊભું થયું હોવાનું લોકો કહી રહ્યા છે.
ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જિલ્લા કક્ષાએ તેમજ આઈજી સુધી રજૂઆત કરવામાં આવશે. જરૂર પડશે તો ફરી જનતા રેડ પણ કરવામાં આવશે. ખોડ ગામની આ ઘટનાએ એક તરફ ગ્રામજનોની જાગૃતિ અને હિંમત દર્શાવી છે તો બીજી તરફ હળવદ પોલીસની કામગીરીને લઈને પણ અનેક ચર્ચાઓ જગાવી છે.
તેમજ હળવદ તાલુકાના ખોડ ગામે ગ્રામજનો દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પોતે રેઇડ કરી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હોવાનું જાણવી વાહવાહી લુંટવા પ્રયત્ન કર્યો હતો. તો બીજી તરફ લોકો હળવદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.


