બકરી-ઈદ પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ઝેર ઓકનાર કુખ્યાત દીકુડાને વલસાડથી ઝડપી લેવાયો
મુસ્લિમ સમાજ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી કોમી સુમેળ બગાડવાનો પ્રયાસ કર્યો હતો : 15 ગુનામાં સંડોવાયેલા આરોપી સામે અગાઉ બે વખત પાસા પણ થઈ ચૂકી છે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં બકરી-ઈદના તહેવાર પૂર્વે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતી અને કોમી વૈમનસ્ય ફેલાવતી ટિપ્પણીઓ કરનાર કુખ્યાત શખ્સ પ્રીતેશ ઉર્ફે ‘દીકુડો’ અલ્પેશભાઈ ગોટેચાને પોલીસે વલસાડ જિલ્લાના પારડી ખાતેથી ઝડપી પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ મુસ્લિમ સમાજ વિરુદ્ધ અભદ્ર અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરનાર આ માથાભારે આરોપી સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસે ઝડપી કામગીરી કરી આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટના મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ રહેતો પ્રીતેશ ઉર્ફે દીકુડો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ‘Risky_Dikudo_307’ પરથી બકરી-ઈદના તહેવાર પહેલાં લાઈવ થયો હતો. આ લાઈવ દરમિયાન તેણે મુસ્લિમ ધર્મ અને મઘુમતી સમાજ અંગે અત્યંત અપમાનજનક તથા અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ બનેલા આ વીડિયોથી શહેરમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસને મળેલી ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ અન્ય ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનના બે ગુનાઓમાં પણ તે લાંબા સમયથી નાસતો-ફરતો હતો. જેથી તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસને જાણ મળી હતી કે આરોપી વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં છુપાયો છે. આ બાતમીના આધારે માલવીયાનગર પોલીસની ટીમે વલસાડ પહોંચી દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ અને પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે કે પ્રીતેશ ઉર્ફે દીકુડો રીઢો અને માથાભારે ગુનેગાર છે. તેની સામે રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ મથકમાં પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હત્યાની કોશિશ, અપહરણ, મારામારી, ધમકી, ચોરી, જાહેરનામા ભંગ સહિત કુલ 15 જેટલા ગુનાઓમાં તેનો સંડોવાવો સામે આવ્યો છે. સતત વધતી અસામાજિક પ્રવૃત્તિઓને કારણે વર્ષ 2023 દરમિયાન રાજકોટ શહેરના ‘એ’ ડિવિઝન તેમજ માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા તેની સામે બે વખત PASA હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે પણ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા મારફતે કોમી એકતા અને જાહેર શાંતિ ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તેની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. માલવીયાનગર પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આરોપીને ભક્તિનગર પોલીસના હવાલે સોંપવામાં આવશે.
આ સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં પોલીસની કામગીરી પ્રત્યે પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ પોલીસની ત્વરિત અને અસરકારક કામગીરીને બિરદાવી હતી. સાથે જ કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. શહેરમાં કોમી સુમેળ જળવાઈ રહે અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી હતી.


