ચૂંટણી પૂર્વે દારૂ પર પોલીસની સખ્ત કાર્યવાહી: કેવડાવાડીમાંથી 1056 બોટલ સાથે બુટલેગર ઝડપાયો
વિદેશી દારૂ અને કાર સહિત રૂ.10.21 લાખનો મુદામાલ કબજે; સપ્લાયર સુધી પહોંચવા તપાસ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સક્રિય બની છે. ચૂંટણી દરમિયાન દારૂનું વિતરણ થવાની શક્યતા અટકાવવા ભક્તિનગર પોલીસે કેવડાવાડી વિસ્તારમાં દરોડો પાડી કારમાંથી ઇંગ્લિશ દારૂની 1056 બોટલ સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા અને કાર સહિત કુલ રૂ.10.21 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી હેતલ પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને દારૂ અને જુગાર જેવા ગેરકાયદેસર ધંધાઓ સામે વધુમાં વધુ કાર્યવાહી કરવા માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને અનુસરીને શહેરના વિવિધ પોલીસ મથકોમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ જ અભિયાનના ભાગરૂપે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. પરમાર ની માર્ગદર્શનમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમના હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી અને કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે વિશાલ ખખ્ખર નામનો વ્યક્તિ સફેદ રંગની એસક્રોસ કાર લઈને કેવડાવાડી વિસ્તારમાં શંકાસ્પદ રીતે ઉભો છે.
બાતમીને આધારે પોલીસ ટીમ તરત જ કેવડાવાડી શેરી નં. 03/14 પાસે પહોંચી હતી અને ત્યાં શંકાસ્પદ રીતે ઉભેલી કારની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તરત જ વિશાલ અતુલ ખખ્ખર (રહે. સુર્યોદય સોસાયટી, હુડકો પોલીસ ચોકી પાછળ, રાજકોટ)ને કસ્ટડીમાં લઈ લીધો હતો.
પોલીસ તપાસમાં કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 1056 દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ.3.16 લાખ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, દારૂ ભરેલી કાર સાથે કુલ રૂ.10.21 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસને શંકા છે કે આ દારૂનો જથ્થો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હોઈ શકે છે. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા આરોપી પાસેથી દારૂના સપ્લાયર તથા સંકળાયેલા અન્ય શખ્સો વિશે પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસમાં અન્ય લોકોની સંડોવણી સામે આવી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં શહેરમાં દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસનું કડક નિયંત્રણ જાળવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને બાતમીદારોના નેટવર્ક મારફતે આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે.


