વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૫મીએ ફરી ગુજરાતમાં
સુરતમાં ૧૮ હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કરશે: સમીક્ષા બેઠક યોજાઈ
અગ્ર ગુજરાત, સુરત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 5 જૂનના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કરી હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, લાભાર્થીઓ અને આગેવાનોની અવરજવર સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને આગેવાનોએ તંત્રને જરૂરી માર્ગદર્શન આપી તમામ તૈયારીઓ સમયસર અને પ્રોટોકોલ મુજબ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કાર્યક્રમ અંગેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાનનો કાર્યક્રમ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં વડાપ્રધાન હજીરા સ્થિત એલ એન્ડ ટી પ્લાન્ટની મુલાકાત લેશે. ત્યારબાદ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસભાને સંબોધિત કરશે.
આ અવસરે અંદાજે રૂ. 18 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે, જે સુરત અને દક્ષિણ ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્યો મુકેશભાઈ પટેલ, પૂર્ણેશભાઈ મોદી, સંદીપભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, મોહનભાઈ ઢોડીયા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


