વાલીઓમાં જબ્બર રોષ : શાળા બંધ કરાવવા માંગણી : પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટીનો અગ્રણી
ભાજપ અગ્રણી વિનુ ધવા પોલીસ કમિશનરને કરશે રજૂઆત : શાળા બંધ કરાવવાની માંગણી
સરસ્વતીના મંદિરની આસ્થાને અભડાવતો વધુ એક બનાવ બન્યો છે. રાજકોટના કોઠારિયા રોડ પરના હરિધવા રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલ નામની સ્કુલના વિકૃત પ્રિન્સીપાલ રાકેશ વશરામ સોરઠિયાએ અત્યાર સુધીમાં ૧૧ થી ૧૪ વર્ષની ચાર વિદ્યાર્થિનીઓને તેમની ઓફિસમાં બોલાવીને અસ્લિલ હરકતો કરી હોવાની ઘટના બહાર આવતા શૈક્ષણિક જગત અને વાલી સમાજમાં ઉહાપોહ મચી ગયો છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પ્રિન્સીપાલ રાકેશ સોરઠિયા આમઆદમી પાર્ટીનો રાજકોટ શહેરનો પ્રભારી છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચુકેલા શિવલાલ બારસિયાના ડમી ઉમેદવાર તરીકે પણ વિકૃત ઢગા રાકેશ સોરઠિયાએ ફોર્મ ભર્યુ હતુ.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ હરિ ધવા માર્ગ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલ નામની શાળામાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની છાત્રાએ પોતાના માતાને પોતાની સાથે શાળાના પ્રિન્સીપાલ ખરાબ હરકતો કરતાં હોવાનું કહેતાં માતા સહિતના પરિવારજનો ચોંકી ગયા હતાં. પોતાની રીતે તપાસ કરતાં પોતાની દિકરી સિવાયની અન્ય ત્રણ બાળાઓ સાથે પણ આવુ બન્યુ હોવાની વિગતો જાણવા મળતાં ચારેય બાળાના વાલીઓ અને બીજા વાલીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અહિ પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા સમક્ષ બાળાઓ અને તેમના વાલીઓએ પ્રિન્સીપાલની હલકી હરકતોની રાવ કરતાં અધિકારી પણ ચોંકી ગયા હતાં અને તુરંત કાર્યવાહી કરી હતી.
પોલીસે ભોગ બનેલી ચાર પૈકીની ૧૪ વર્ષની એક બાળાના માતાની ફરિયાદને આધારે સરસ્વતી શૈક્ષણિક સંકુલ નામની શાળાના પ્રિન્સીપાલ રાકેશ વશરામભાઇ સોરઠીયા (ઉ.વ.૩૫) વિરૂધ્ધ આઇપીસી ૩૫૪(ક), પોક્સોની કલમ-૮-૧૦ મુજબ ગુનો નોંધી રાતોરાતે તેને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું છે કે પોતાની ૧૪ વર્ષની દિકરી તથા અન્ય ત્રણ દિકરીઓ કે જેની ઉમર ૧૪, ૧૧ અને ૧૧ વર્ષ છે તે ચારેય શ્રી સરસ્વતિ શૈક્ષણિક સંકુલમાં અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરે છે.
છેલ્લા કેટલાક સમયથી આ ચારેય બાળાઓને પ્રિન્સીપાલ રાકેશ સોરઠીયા તેની ઓફિસમાં કોઇને કોઇ બહાને બોલાવતો હતો, અથવા તો આ છાત્રોએ અભ્યાસના લીથા સહિતની વાતે પૃછા કરવા તેની ઓફિસમાં જતી હતી ત્યારે તે ઓફિસનો દરવાજો બંધ કરી દઇ હાથ પકડી, શારીરિક અડપલા કરી લેતો હતો અને ક્યારેક બથમાં લઇને જાતીય સતામણી કરી લેતો હતો. ચારેય છાત્રા સાથે અલગ અલગ દિવસે અને સમયે તે ઓફિસમાં એકલી બોલાવવામા આવતી અને આ રીતે વિકૃતી સંતોષી લેતો હોવાનું તપાસમાં ખુલ્યુ છે.બાળાઓએ ઘણા સમય સુધી આવી હરકતો સહન કરી હતી. પણ છેલ્લે એક બાળાએ હિંમત કરીને પોતાના માતા-પિતાને ઘરે વાત કરતાં ગઇકાલે સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી અને વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચતા ગુનો નોંધાયો હતો.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાધવની સુચના અનુસાર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે બાળાના માતાની ફરિયાદ પરથી તત્કાલ ગુનો નોંધી રાતે જ આરોપી પ્રિન્સીપાલ રાકેશ વશરામ સોરઠિયાને પકડી લીધો હતો.
પૂર્વ છાત્રાઓને પણ પ્રિન્સીપાલે ‘શિકાર’ બનાવી હોવાનું ખુલ્યુ
સરસ્વતી શૈક્ષણિક સંકુલના વિકૃત પ્રિન્સીપાલનો બચાવ ભલે ગમે તેવો હોય પણ જે ચાર બાળાઓએ હિંમત દેખાડીને પ્રિન્સીપાલ રાકેશ વશરામ સોરઠિયાને ખુલ્લો પાડ્યા બાદ તેના એક પછી એક કરતૂતો પોલીસ તપાસમાં સામે આવતા જાય છે. શાળામાં ભૂતકાળમાં ભણી ચુકેલી બાળાઓને પણ આ વિકૃત પ્રિન્સીપાલ રાકેશના હવસનો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે.
RTE હેઠળ એડમીનશન લેતી બાળાઓને જ ‘શિકાર’ બનાવાતી
સ્કુલમાં હહાલ ૬૦ વિદ્યાર્થીઓ પૈકીના ૪૨ છાત્ર-છાત્રાઓએ આરટીઇ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એટલે કે સરકારની વિનામુલ્યે શિક્ષણની યોજના હેઠળ પ્રવેશ મેળવેલો છે. ભોગ બનેલી ચારેય બાળાએ પણ આરટીઇ હેઠળ પ્રવેશ મેળવ્યો છે. એવી એક વાત પણ તપાસમાં સામે આવી છે કે, સરકારની રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમીશન લેતી બાળાઓ સાથે જ વિકૃત અડપલા ઢગો પ્રિન્સીપાલ રાકેશ વશરામ સોરઠિયા કરતો હતો.
રાકેશ સોરઠિયાને ખુદને એક દીકરી, છતા આવી વિકૃતિ! રાકેશ સોરઠિયાને અન્ય એક સ્કુલ પણ છે
પ્રિન્સીપાલ રાકેશ શું તેની દીકરી સાથે પણ આવા અડપલા કરતો જ હશે ને. અથવા તો અન્ય કોઇ અડપલા કરે તો સહન કરી લેશે. રાકેશને અન્ય એક સ્કુલ હોવાનું પણ જાણવા મળ્યુ છે. એ સ્કુલમાં પણ આવી હરકતો કરતો હોય તેવી શંકા છે.
સનફલેમ સ્કૂલનો પણ માલિક છે રાકેશ સોરઠિયા
શૈક્ષણિક વર્તુળમાંથી જાણવા મળતી માહિતી મુજબ સોરઠિયા સરસ્વતી સંકૂલ શાળા ઉપરાંત ગોંડલ રોડ ઉપર આવેલ કલ્પવન વિસ્તારમાં આવેલ સનફલેમ શાળાનો પણ સંચાલક હોવાનું સામે આવ્યું છે. આ વિકૃત શખ્સ આ શાળામાં પણ વિદ્યાર્થિનીઓને હેરાન કરતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
અન્ય કોઇ બાળા ભોગ બની હોય તો હિંમતપૂર્વક જાણ કરે : PI સરવૈયાની અપિલ
ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. સરવૈયા સમક્ષ ભોગ બનનાર બાળાઓએ જ્યારે આપવીતી વર્ણવી ત્યારે તે હચમચી ઉઠ્યા હતા. આ અત્યંત ગંભીર પ્રકારની ઘટના કહેવાય. પ્રિન્સીપાલ રાકેશ વશરામ સોરઠિયા સામે ગુનો સાબિત થાય અને કેસ વધુ મજબૂત બને એ માટે અન્ય કોઇ બાળા પણ આવી વિકૃતીનો ભોગ બની હોય તો હિંમત દાખવીને સામે આવે. બાળાની ઓળખ સંપૂર્ણપણે છૂપી રખાશે તેવી ખાતરી પણ પી.આઇ. સરવૈયાએ આપી છે.
સ્કુલને કાયમ માટે તાળા લગાવવા નગરસેવક વિનુ ઘવા કરશે રજૂઆત
ઘવા પરિવાર વર્ષોથી જ્યા જનસેવા કરે છે એ વિસ્તારમાં શૈક્ષણિક ધામમાં આવી કલંકિત ઘટના બની છે ત્યારે આ વિસ્તારના ભાજપના નગરસેવક અને મનપાના શાસકપક્ષના નેતા વિનુ ઘવાએ કોઇપણ ભોગે આ શાળા બંધ કરાવવા મોરચો હાથમાં લીધો છે. તેમણે કહ્યુ હતુ કે, પ્રિન્સીપાલ સામે કડકમાં કડક સજા થવી જોઇએ. આ એક જ સ્કુલ નહીં પણ શિક્ષણ જગતમાં ક્યાંય પણ તેની કોઇ ભૂમિકા ન રહે તે માટે તેમની તમામ શાળાઓ બંધ કરાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે. અન્ય કોઇ બાળા પ્રિન્સીપાલ રાકેશ વશરામ સોરઠિયાની વિકૃતીનો ભોગ બની હોય તો ખાનગીમાં આવીને જાણ કરી જાય તેવી અપિલ પણ નગરસેવક વિનુ ઘવાએ કરી છે.


