રાજકોટમાં બપોરે કર્ફયુ, રસ્તાઓ સુમસામ, બુધવાર સુધી યલો એલર્ટ
મોઢે રૂમાલ, હેલમેટ અને ગોગલ્સ પહેરી ટુ વ્હીલ ચાલકોની લૂથી બચવા મથામણ
અગ્ર ગુજરાત, રાજકોટ
એપ્રિલના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગુરુવારે રાજકોટ 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.5° ગરમી સાથે ‘રિયલ ફીલ’ની અસર જોવા મળી રહી છે. લોકોને 41.5°Cમાં 43°Cનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે 12થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર ‘કર્ફ્યૂ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હિલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’ થી બચવા મથામણ કરી રહ્યા છે.
હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવું પડશે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 26મી એપ્રિલે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કુદરત પણ કસોટી કરશે. હવામાન વિભાગના મતે 26 તારીખે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે.
રાજ્યમા પવનની દિશા બદલાઇને શરૂ થયેલાં ગરમ-સુકા પવનોની અસરથી ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 1.3 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 59 ટકા અને સાંજે 5.30 કલાકે 18 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેતાં ગરમીની સાથે બફારો વધતાં લોકોએ 41.0 ડિગ્રીએ 43 ડિગ્રી ગરમીનો અનુભવ કર્યો હતો.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 42°C, રાજકોટમાં 42°C, સુરતમાં 40°C, ગાંધીનગરમાં 40°C, અમરેલીમાં 42°C, ભાવનગરમાં 39°C, ભૂજમાં 40°C, દાહોદમાં 38°C, દમણમાં 35°C, દાહોદમાં 38°C, ડીસામાં 39°C, દ્વારકામાં 33°C, હિંમતનગરમાં 42°C, જાનગરમાં 34°C, કંડલામાં 38°C, નલિયામાં 35°C અને પોરબંદરમાં 35 °C મહત્તમ તાપમાન રહેવીની સંભાવના છે.


