સ્થાનિક સ્વરાજયની ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ : જિલ્લા ચૂંટણી અધિકારી
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૨૨૫૫ મતદાન મથકો
જિલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર કરી સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા
ગરમીને ધ્યાનમાં રાખતાં છાંયડો, પાણી, ઓ.આર.એસ. પ્રાથમિક સારવારની સુવિધા રાખવા ચૂંટણી અધિકારીઓને સૂચના
મનપામાં ૧૦૧૪ મતદાન મથકમાં ૮૯૪૮ પોલીસ સ્ટાફ, ૨3૨૬ BU અને ૧૧૬3 CUનો ઉપયોગ કરાશે : ૮૧૪ સંવેદનશીલ અને ૧૯૫ અતિ સંવેદનશીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓની માહિતી અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ઓમ પ્રકાશે પત્રકારોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડમાં ૨૩૬ ઉમેદવારોની યાદી આખરી થઈ છે. મહાનગરમાં ૫,૧૦,૦૮૬ પુરુષ મતદારો. ૪,૭૫,૮૪૮ મહિલા મતદારો તથા ૧૮ થર્ડ જેન્ડર મળીને ૯,૮૫,૯૫૨ મતદારો છે. ૧૦૧૪ મતદાન મથકો પર ૮૯૪૮ પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. ચૂંટણીમાં ૨૩૨૬ બેલેટ યુનિટ તથા ૧૧૬૩ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ વન કક્ષાના છ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ ટુ કક્ષાના છ અધિકારી મુકાયા છે. મહાનગર પાલિકા ક્ષેત્રમાં ૧૫૧ પોસ્ટલ બેલેટ યુનિટ છે, કુલ મળીને ૧૪૮૦ કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે. મહાનગરમાં ૫૦૬ સંવેદનશીલ અને આઠ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૪૨૫ જેટલા વાહનોનું રિક્વિઝિશન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ૧૦૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો માટે ૫૯૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ બંને ચૂંટણી માટે કુલ ૧૧૮૬ મતદાન બૂથ નક્કી કરાયા છે તથા ૮૪૮૦ પોલિંગ સ્ટાફ નિયુક્ત કરાયો છે. ૧૧૮૬ બૂથોમાંથી ૧૭૯ અતિ સંવેદનશીલ અને ૨૮૩ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.
આ ચૂંટણીમાં ૫,૦૧,૬૮૩ પુરુષ મતદારો તથા ૪,૫૪,૮૯૦ મહિલા મતદારો તથા બે અન્ય મળીને કુલ ૯,૫૬,૫૭૫ મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં ૨૬૭૫ બેલેટ યુનિટ તથા એટલા જ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે આઠ ક્લાસ-૧ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ૨૨ ક્લાસ-૨ અધિકારી નિયુક્ત કરાયા છે.
તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, ૦૭-ગઢડા, ૦૪-દાળીયા, ૧૧-મેવાસા તથા ૦૧-ભાદાજાળીયાનો સમાવેશ થાય છે. તા.પં., જિ.પં.માં ૪૦૩ સર્વિસ વોટર્સ તથા ચૂંટણી ફરજના ૧૯૬૧ સ્ટાફ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
ગોંડલ નગરપાલિકામાં ૧૧ વોર્ડમાં કુલ ૪૪ બેઠકો છે. જેમાં ૨૦ બેઠકો બિનહરીફ થઈ છે. ૨૪ બેઠકો પર ૪૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. નગરપાલિકામાં કુલ ૪૨,૨૩૫ પુરુષ મતદારો તથા ૩૯,૨૩૦ મહિલા મતદારો તેમજ છ અન્ય મળીને ૮૧,૪૭૧ મતદારો છે. કુલ ૫૮ બૂથ પર મતદાનની કામગીરી થશે. આ માટે ૧૭૦૨ સ્ટાફની નિયુક્તિ કરાઈ છે. ચૂંટણી માટે ૨૨૬ બી.યુ. અને ૧૧૩ સી.યુ.નો ઉપયોગ થશે.
ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે ચૂંટણી અધિકારી તરીકે બે ક્લાસ-૧ ઓફિસર તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે બે ક્લાસ-૨ ઓફિસર નિયુક્ત કરાયા છે.
પાલિકામાં વોર્ડ ૦૧, ૦૬, ૦૯ તથા ૧૧ તમામ બેઠકો બિનહરીફ થઈ છે, જયારે વોર્ડ-૦૨માં ૦૧ બેઠક, વોર્ડ-૦૭માં બે બેઠક, વોર્ડ-૧૦માં ૦૧ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ સર્વિસ વોટર્સ તથા ૧૪૫ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આદર્શ આચાર સંહિતાને લઈને અમુક ફરિયાદો આવી હતી જેમાં તાલુકા પંચાયતની બે ફરિયાદો નોંધાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક સામાન્ય અને આઠ આચાર સંહિતાની કુલ નવ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ નગરપાલિકામાં એક આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે. તેના પર પગલાં લઈને રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ કરી દેવાયો છે.
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ કુલ ૨૨૫૫ મતદાન મતકો છે. જેમાંથી ૮૧૪ સંવેદનશીલ મતદાન મથકો અને ૧૯૫ અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. તમામ મતદાન મથકોની ૧૦૦ ભૌતિક ચકાસણી કરવામાં આવી છે.
કોઈ પણ મતદાન મથક જ્યારે મતદાર મત આપવા જાય ત્યારે તેને કોઈ અગવડ ન થાય તે માટે તમામ પોલિંગ સ્ટાફની બે તાલીમ થઈ ગઈ છે અને ડિસ્પેચિંગ વખતે ત્રીજી તાલીમ કરવામાં આવશે.
ગરમીને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા, નગર પાલિકા તેમજ તાલુકા, જિલ્લા પંચાયતમાં તમામ મતદાન મતકો ઉપર પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર કીટ, ફર્નિચર રેમ્પ સહિતની સુવિધાઓ રાખવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગરમીમાં છાંયડાની વ્યવસ્થા માટે તમામ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણીની અને ઓ.આર.એસ. કીટ તેમજ પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર થઈ ગયા છે અને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.
નાગરિકો ક્યુઆર કોડ અને વેબસાઈટની મદદથી મતદાન બૂથ શોધી શકશે
રાજકોટ મહાનગર પાલિકાની ૨૬મીએ થનારી ચૂંટણી વખતે નાગરિકોને પોતાનું મતદાન મથક શોધવામાં સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ વિશેષ બૂથ લોકેટર વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટ તેમજ વિશેષ બે ક્યુ.આર. કોડનું આજે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, અધિકા ચૂંટણી અધિકારી એન.કે. મુછાર તથા બી.એલ.ઓ. શ્રી જયદીપભાઈ ત્રિવેદીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, https://rmc-election.jrtrivedi.in/ વેબસાઈટ બૂથ લેવલ ઓફિસર જયદીપભાઈ ત્રિવેદી દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં મતદારોને પોતાનું મતદાન મથક શોધવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને અત્યંત ઝડપી અને કાર્યક્ષમ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધા દ્વારા મતદારો પોતાના મોબાઈલનું ગૂગલ લોકેશન ઓન રાખીને સીધા જ પોતાના બૂથ સુધી પહોંચી શકશે.
ચૂંટણી તંત્ર દ્વારા બે અલગ-અલગ ક્યુઆર કોડ જારી કરવામાં આવ્યા છે: (૧) સ્ટેટ ઇલેક્શન કમિશનનો ક્યુઆર કોડ: આ કોડ સ્કેન કરીને મતદારો પોતાનો એપિક (EPIC) નંબર અથવા નામની એન્ટ્રી કરીને પોતાનો વોર્ડ નંબર, પોલિંગ બૂથ નંબર અને સીરીયલ નંબર જાણી શકશે. આ વેબસાઈટ પર ફેમિલી ડિટેલ્સ પણ ઉપલબ્ધ છે, જેથી એક જ પરિવારના અન્ય સભ્યોની વિગત પણ સરળતાથી મળી રહેશે. (૨) ડિસ્ટ્રિક્ટ બીએલઓ દ્વારા તૈયાર ક્યુઆર કોડ: આ કોડ મતદારોને તેમના મતદાન મથકના ચોક્કસ ભૌગોલિક લોકેશન સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
ચૂંટણી અધિકારી (RO), મદદનીશ ચૂંટણી અધિકારી (ARO) નિયુક્ત
રાજકોટ જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના સુચારુ સંચાલન માટે વોર્ડ અને મતદાર મંડળ દીઠ ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO)ની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરમાં વોર્ડ નં. ૧-૨-૩માં આર.ઓ. તરીકે એચ.કે. આચાર્ય (નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી) તથા એ.આર.ઓ. તરીકે નીલેશ પી. અજમેરા (મામલતદાર, રાજકોટ પૂર્વ), વોર્ડ ૪-૫-૬માં આર.ઓ. શ્રી પી. એચ. ગલ્ચર (નાયબ જિલ્લા વિકાસ અધિકારી) તથા એ.આર.ઓ. રાજેન્દ્રકુમાર કે. સરવૈયા (મામલતદાર, રાજકોટ દક્ષિણ), વોર્ડ ૭-૮-૯માં આર.ઓ. એ. એસ. ઝાપડા (જિલ્લા પુરવઠા અધિકારી), એ.આર.ઓ. અતુલ આર. દેવાંગડા (સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૨), વોર્ડ ૧૦-૧૧-૧૨માં આર.ઓ. જે. કે. જોગરાણા (નાયબ નિયામક, જમીન દફતર) તથા એ.આર.ઓ. ભુવા (સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૩), વોર્ડ ૧૩-૧૪-૧૫માં આર.ઓ. ડૉ. ચાંદની પરમાર (પ્રાંત અધિકારી, રાજકોટ-૧) તથા એ.આર.ઓ. એન. પી. પંડયા (સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૧), વોર્ડ ૧૬-૧૭-૧૮માં આર.ઓ. સિધ્ધાર્થ ગઢવી (નાયબ કલેક્ટર, રૂડા) તથા એ.આર.ઓ. મામલતદાર (પશ્ચિમ), રાજકોટ નિયુક્ત કરાયા છે.
ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર ૧થી ૬માં આર.ઓ. રાહુલ ગમારા (પ્રાંત અધિકારી, ગોંડલ) જ્યારે એ.આર.ઓ. એન. કે. સોલંકી (સહાયક રાજ્યવેરા કમિશનર), તથા વોર્ડ ૭થી ૧૧માં જે. એન. ગોસ્વામી (નાયબ જિલ્લા વિકાસ અધિકારી) તથા એ.આ.ઓ. ડી. ડી. ભટ્ટ (મામલતદાર, ગોંડલ શહેર) નિયુક્ત કરાયા છે.
જિલ્લા પંચાયતમાં રાજકોટ જિલ્લાના મતદાર મંડળો જેવા કે આણંદપર, બેડલા, કુવાડવા, બેડી, કસ્તુરબાધામ, સરધાર માટે આર.ઓ. સુશીલ પરમાર (જિલ્લા પુરવઠા અધિકારી) જ્યારે ગોંડલ તાલુકાના મતદાર મંડળો કોલીથડ, મોવીયા, શિવરાજગઢ, ચરખડી, દેરડી માટે આર.ઓ. બ્રીજેશ આર. સોજીત્રા (નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ), જેતપુર તાલુકાના મંડળો થાણાગાલોલ, વીરપુર, બોરડી, પેઢલા માટે આર.ઓ. એમ.જે. સોમપુરા (નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી), ધોરાજીના સુપેડી, મોટી મારડ મંડળો તથા જામકંડોરણાના જામકંડોરણા તથા દડવી માટે આર.ઓ. એન.એમ. તરખલા (પ્રાંત અધિકારી, ધોરાજી), ઉપલેટાના કોલકી, મોટી પાનેલી, ડુમીયાણી મંડળો માટે આર.ઓ. જનકસિંહ ગોહીલ (જિલ્લા મહિલા અને બાળ અધિકારી),જસદણના આટકોટ, સાણથલી, શિવરાજપુર, ભાડલા, કમળાપુર માટે આર.ઓ. રાહુલકુમાર ખાંભરા (પ્રાંત અધિકારી, જસદણ), વિંછીયાના પીપરડી, વિંછીયા, ભડલી માટે આર.ઓ. એન.આર. ટોપરાણી (જિલ્લા આયોજન અધિકારી), લોધિકાના લોધિકા, પારડી, કોટડા સાંગાણીના વેરાવળ, કોટડા સાંગાણી તેમજ પડધરીના પડધરી તથા સરપદડ માટે આર.ઓ. તરીકે વિમલ ચક્રવર્તી (પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્ય) નિયુક્ત કરાયા છે.
જિલ્લામાં તાલુકા પંચાયતોની ચૂંટણી માટે પડધરી તાલુકા પંચાયત માટે આર.ઓ. કે.જી. સખીયા (મામલતદાર) અને ડી.એલ. આદ્રોજા (ટીડીઓ), જેતપુર તા.પં. માટે આર.ઓ. એ.ડી. બાખલકીયા (મામલતદાર) અને પી.એસ. ડાંગર (ટીડીઓ), લોધીકા તા.પં. માટે આર.ઓ. પી. એ. છાટબાર (મામલતદાર) અને જે. આર. બોરીચા (ટીડીઓ), કોટડાસાંગાણી તા.પં. માટે આર.ઓ. એમ. એચ. રાવલ (મામલતદાર) અને જી.કે. ઝાલા (ટીડીઓ), ગોંડલ તા.પં. માટે આર.ઓ. આર.બી. ડોડીયા (મામલતદાર) તથા એસ.પી. ડાંગર, જસદણ તા. પં.માટે આર.ઓ. એમ.કે. બલીયા (મામલતદાર) અને હિતેષ આર. વાઘેલા (ટીડીઓ), વિંછીયા તા.પં. માટે આર.ઓ. યુ.વી. કાનાણી (મામલતદાર) તથા બી.જે. દવે (ટીડીઓ), ઉપલેટા તા.પં. માટે આર.ઓ. એન.એચ. મહેતા (મામલતદાર) તથા આર.એમ. ત્રિવેદી (ટીડીઓ), ધોરાજી તા.પં. માટે આર.ઓ. એચ.એન. ગોહિલ (ટીડીઓ) તથા એચ.ડી. બારોટ (મામલતદાર), જામકંડોરણા તા.પં. માટે આર.ઓ. બી.પી. કતકપરા (મામલતદાર) તથા જી.ડી. વામજા (ટીડીઓ), રાજકોટ તા.પં. માટે આર.ઓ. કિર્તીકુમાર મકવાણા (મામલતદાર) તથા વનરાજસિંહ ચૌહાણ (ટીડીઓ) નિયુક્ત કરવામાં આવ્યા છે.
મનપાનું ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન અને મતગણતરી પ્રક્રિયાના સુચારુ આયોજનના ભાગરૂપે વોર્ડ અનુસાર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. પ્રત્યેક કેન્દ્ર પર જ ઈવીએમની ફાળવણી, પરત સ્વીકારવાની પ્રક્રિયા અને મતગણતરી હાથ ધરવામાં આવશે.
વોર્ડ નંબર ૧થી ૩ માટે પાધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કુલ કમ્પાઉન્ડ, વોર્ડ નંબર ૪થી ૬ માટે એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, વોર્ડ નંબર ૭થી ૯ માટે એસ.વી.વિરાણી હાઈસ્કુલ, ટાગોર રોડ, વોર્ડ નંબર ૧૦થી ૧૨ માટે એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, વોર્ડ નંબર ૧૩થી ૧૫ માટે અમૃતચંદ વીરચંદ જસાણી સ્કુલ, પી.ડી.એમ. ફાટક પાસે, ગોંડલ રોડ તથા વોર્ડ નંબર ૧૬થી ૧૮ માટે શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, રાજકોટને ઈ.વી.એમ.ના ડિસ્પેચિંગ, રિસિવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
તાલુકા-જિલ્લા પંચાયતના સેન્ટરોની યાદી
રાજકોટ તાલુકામાં ત્રણેય કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ, આજી ડોમ ચોકડી પાસે થશે. કોટડા સાંગાણી તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ તથા રિસિવિંગ માટે ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ સેન્ટર નક્કી કરાયું. પરંતુ તેની મત ગણતરી કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. લોધીકા તાલુકા માટે ડિસ્પિંગ તથા રિસિવિંગની કામગીરી શ્રી એચ.પી. ખીમાણી વિદ્યાલય ખાતેતથી તથા મત ગણતરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. પડધરી તાલુકામાં ત્રણેય કામગીરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે થશે. ગોંડલ તાલુકામાં ત્રણેય કામગીરી માટે સેન્ટમેરી સ્કુલ (ગુંદાળા રોડ) સેન્ટર નક્કી કરાયું છે. જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ (નવાગઢ) ખાતે કેન્દ્ર કાર્યરત રહેશે. ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાની ચૂંટણી પ્રક્રિયા માટે ડિસ્પેચિંગ, રિસિવિંગ તથા મત ગણતરીની કામગીરી નવી ભગવતસિંહજી હાઇસ્કુલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે થશે. ઉપલેટા માટે ટાવરવાળી તાલુકા શાળા નક્કી કરાઈ છે. તો જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ અને વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતે સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે.
ચૂંટણી આયોગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયો
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પોતાની રજૂઆતો કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે ૦૭૯ ૨૩૨ ૫૫૯૫૧, ૦૭૯ ૨૩૨ ૫૫૯૫૩ તેમજ ૦૭૯ ૨૩૨ ૫૭૩૮૧ અને ૦૭૯ ૨૩૨ ૫૭૩૮૩ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે ૨૫ તથા ૨૬મી એપ્રિલના રોજ કાર્યરત રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો હોય તો નાગરિકો આ ફોન નંબર પર સંપર્ક કરીને પોતાની રજૂઆત નોંધાવી શકશે.


