રાજકોટ મનપાના મેયર પદે ડો.નેહલ શુકલ, સ્ટે.ચેરમેનમાં ઘનશ્યામ હેરભા રેસમાં
મેયરમાં મનીષ ભટ્ટ પણ ચર્ચાના કેન્દ્રમાં, સ્ટેન્ડિંગ ચેરમેન પદમાં પૂર્વ મેયર પ્રદિપ ડવ પણ સૌથી આગળ : ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. જો કે ત્રણ બેઠક ગુમાવી છે. છતાં પણ ૬૫ બેઠક પર વિજય થયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદ માટે સામાન્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તેના માટે ડો.નેહલ શુકલ, મનીષ ભટ્ટ સહિતના નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. ડૉ.નેહલ શુકલને છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી અને વોર્ડ નં૭માં પેનલ સાથે વિજય થયો હતો.
ભાજપે અગાઉ નિયમ જાહેર કર્યો હતો કે પેનલ તૂટશે તેવા જીતેલા ઉમેદવારોને પદ આપવામાં આવશે નહી. જયારે ભાજપે તમામ વોર્ડમાં પેનલ સાથે વિજય મેળવ્યો છે. ત્યારે હવે મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન માટે ખરાખરીની કસોટી થશે તેવી ચર્ચા થઇ રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ હવે વિવિધ શહેરોમાં મેયર પદ માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપમાં નવા ચૂંટાયેલા હોદ્દેદારો નિમણૂંકને લઈને ઉત્સાહીત છે. પાર્ટી હાઈકમાન્ડ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી સૌથી મોટો પડકાર રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. રાજકોટમાં ભાજપે કુલ 72 બેઠકોમાંથી 65 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસને 7 બેઠકો જીતી છે.

રાજકોટ મનપામાં 65 બેઠકો પર જીત સાથે હવે ભાજપ સત્તા પર છે. હવે સૌથી મોટો પ્રશ્ન છે કે રાજકોટ મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે, જ્યારે ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનને લઈ પર ઘણા નેતાઓના નામ ચર્ચામાં છે.
રાજકોટમાં નેહલ શુક્લ, મનીષ ભટ્ટનું નામ મેયરની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે પરેશ ઠાકર, કેતન પટેલનું નામ પણ મેયરની રેસમાં આગળ છે. આ સિવાય ઘનશ્યામ હેરભા, પૂર્વ મેયર પ્રદીપ ડવનું નામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. ડેપ્યૂટી મેયર તરીકે નરેંદ્રસિંહ જાડેજા અને કીર્તિબા રાણાનું નામ હાલ ચર્ચામાં છે.
ચૂંટણીના પરિણામો બાદ હવે ગાંધીનગરમાં ભાજપની બેઠક મળશે. પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારોની બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવીની હાજરીમાં કમલમમાં બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ મહામંત્રીઓ પણ બેઠકમાં હાજર હશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પરિણામોની ઝોન પ્રમાણે સમીક્ષા કરવામાં આવશે.
રાજકોટ મનપાની 72 માંથી ભાજપે 65 બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસને રાજકોટ મહાનગરપાલિકામાં 7 બેઠકો પર જીત મળી છે. 2021 કરતાં ભાજપને ત્રણ બેઠકો ઓછી મળી છે.



