RTOમાં હવે AI ડ્રાઇવિંગ ટેસ્ટ લેશે, ફોર વ્હીલના લાયસન્સ માટે ચાર તબક્કામાં કાર્યવાહી
કાર અને બાઇક માટે અલગ AI ટેસ્ટ તૈયાર, લાગવગ હવે નહી ચાલે ભૂલ થશે તો મશીન જ તેને ટેસ્ટમાંથી બહાર કરી દેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાઈસન્સ માટે અત્યાર સુધી RTOમાં RTO અધિકારી ટેસ્ટ લેતા હતા. પરંતુ, હવે દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે કે, જેમાં તમામ RTOમાં વાહનોના લાઈસન્સ માટેના ટેસ્ટ AI ટેસ્ટ ટ્રેક પર લેવાશે. રાજ્યમાં 15 જિલ્લામાં તો આ સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે અને આગામી 2 મહિનામાં અન્ય 20 સ્થળો પર પણ AI ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ જશે.
RTO કચેરીમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે અલગ અલગ AI ટેસ્ટ તૈયાર કરાયા છે. જેમાં ફોર વ્હિલર માટે દરેક અરજદારે ચાર તબક્કામાંથી પસાર થવાનું રહેશે જેના માટે તેને કૂલ 8 મિનિટ 10 સેકન્ડનો સમય મળશે. જો આ ચાર તબક્કામાં વાહનચાલક દ્વારા ક્યાય પણ ભૂલ થશે તો મશીન જ તેને ટેસ્ટમાંથી બહાર કરી દેશે. RTO દ્વારા શરૂ કરવામાં આવેલા AI ટેસ્ટ ટ્રેક પર ફોરવ્હિલ ચાલકે કયા કયા ચાર ટેસ્ટ આપવાના રહેશે?, ટેસ્ટ પાસ કરવા માટે કારચાલકે કઈ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે? જે તમામ બાબતની ATOZ જાણકારી આ આર્ટિકલમાં મેળવીશું.
વાહનચાલકને લર્નિંગ લાઈસન્સ મળ્યાના એક મહિના પછી પાકા લાઈસન્સ માટે ટેસ્ટ આપવાની રહેશે. AI ટેક્નોલોજી આધારિત ટેસ્ટ માટે અરજદાર ઓનલાઈન અને ઓફલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકશે. જે દિવસે એપોઈન્ટમેન્ટ મળી હોય તે દિવસે જે તે RTO કચેરી પહોંચવાનું રહેશે. ત્યારબાદ અરજદાર કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે તે ગ્રાફિ્કસની મદદથી સમજીએ.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, નવી સિસ્ટમ સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત અને ફેસલેસ રહેશે.ટેસ્ટ પૂર્ણ થયા બાદ અરજદાર બહાર નીકળે ત્યારે જ તેનું પરિણામ તૈયાર થઈ જશે. પરિણામ કોઈ અધિકારી નહીં પરંતુ કોમ્પ્યુટર દ્વારા જાહેર કરવામાં આવશે.
AI આધારિત સિસ્ટમ અમલમાં આવતાં એજન્ટોની ભૂમિકા ઘટશે તે અંગે મંત્રીએ જણાવ્યું કે, સમગ્ર પ્રક્રિયા ફેસલેશ અને ઓનલાઈન હોવાથી અરજદારો પોતે જ મોબાઈલ દ્વારા અરજી કરી શકશે. તેમણે યુવાનોને અપીલ કરતાં જણાવ્યું કે, કોઈપણ એજન્ટનો સંપર્ક કરવાની જરૂર નથી. હવે ઘરેબેઠાં પણ અનેક પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકાશે.
છ મહિનામાં તમામ RTOમાં અમલવારી
અરવલ્લીના મોડાસામાં પ્રથમ AI ટેક્નોલોજી આધારિત ટેસ્ટ ટ્રેક તૈયાર કરાયા બાદ રાજ્યમાં હાલ કૂલ 15 ટ્રેક કાર્યરત છે. આગામી 6 મહિના દરમિયાન રાજ્યની તમામ 42 RTOમાં AI આધારિત ટેસ્ટ ટ્રેક કાર્યરત કરી દેવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ AI આધારિત ડ્રાઈવીંગ ટેસ્ટ લેનારું ગુજરાત પ્રથમ રાજ્ય બની જશે.
અરજદારોનો સમય બચશે : મંત્રી
વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, RTO વિભાગ દ્વારા લાંબા સમયથી ફેસલેશ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ડ્રાઈવીંગ ટેસ્ટ દરમિયાન અરજદારો તરફથી સૌથી વધુ ફરિયાદો આવતી હોવાના કારણે સરકારે AI આધારિત પારદર્શક સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો.
AI ટેક્નોલોજી કઇ રીતે કરશે કામ?
પ્રવીણ માળીએ જણાવ્યું કે, AI સિસ્ટમમાં ફેસ રિકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે અરજદાર ટેસ્ટ ટ્રેક પર પહોંચે ત્યારે સિસ્ટમ ચકાસશે કે ટેસ્ટ આપવા આવેલી વ્યક્તિએ જ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં.અરજદાર ટ્રેકમાં એન્ટ્રી કરે કે એક્ઝિટ કરે ત્યારે કોઈ અધિકારીને હાજર રહેવાની જરૂર નહીં પડે. સમગ્ર પ્રક્રિયા AI અને કોમ્પ્યુટર આધારિત રહેશે, જેના કારણે માનવીય હસ્તક્ષેપ ઘટશે અને પારદર્શિતા વધશે.


