સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
તુલસી અને ગૌમાતાનું પૂજન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર કેમ્પસ ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિર મારૂતિનગર ઉપરાંત રણછોડનગર તથા નવા થોરાળા સ્થિત સંકુલમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક સત્રના શુભારંભે શાળા પ્રવેશોત્સવની ઊજવણી દરમિયાન વિદ્યાર્થીઓનું સ્વાગત કંકુચોખાના તિલક અને મોઢું મીઠું કરાવીને કરાવવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના પર્વ પર વિદ્યાર્થીઓ અને વાલીઓનું અભિવાદન કરી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના મૂલ્યોને ઉજાગર કરતા તુલસી પૂજન તેમજ ગૌમાતા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ દરમિયાન શાળાનો સમગ્ર પરિસર રંગબેરંગી સજાવટ, ઉમંગ-ઉલ્લાસ અને બાળકલરવથી ગુંજી ઉઠ્યો હતો. પ્રવેશોત્સવ કાર્યક્રમ અવસરે સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે નવા સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમની શૈક્ષણિક યાત્રા સફળ અને ઉજ્જવળ બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.


