મોંઘવારીનો વધુ એક ઝટકો લાગશે
નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં ૧૦ ટકાનો વધારો
ઇંધણ મોંઘા થતા રાજકોટ સ્કુલ વાન એસોસિએશનનો નિર્ણય : વાલીઓ માથે બોજ વધશે : તા.૪ જૂને સત્તાવાર જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓના અંદાજે 45,000 વિદ્યાર્થીઓ પર મોંઘવારીનો મોટો માર પડવા જઈ રહ્યો છે, જેમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધતા ભાવો તેમજ મોંઘા સ્પેરપાર્ટ્સને કારણે રાજકોટ સ્કૂલ વાન એસોસિએશને આગામી 8 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ભાડામાં 10 ટકાનો ભાવવધારો કરવાની જાહેરાત કરી છે.
એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલ અને અન્ય ચાલકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં CNGનો ભાવ રૂ. 76થી વધીને રૂ. 88 થઈ ગયો હોવાથી નછૂટકે પરિવારનું ગુજરાન ચલાવવા આ નિર્ણય લેવો પડ્યો છે, જેને પગલે હાલનું માસિક રૂ. 1,000થી રૂ. 1,200નું ભાડું વધીને અંદાજે રૂ. 1,350થી રૂ. 1,400 થઈ જશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત 4 જૂનના રોજ કરવામાં આવશે, જેના કારણે આર્થિક બોજો સીધો વાલીઓના ખિસ્સા પર પડશે.
હાલની એસોસિએશનની કમિટી દ્વારા 10 ટકા વધારો નક્કી કરાયો છે, જેની સત્તાવાર જાહેરાત શાળાઓ ખુલતા પહેલાં કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે વાહનોના સ્પેર પાર્ટ્સ અને રિપેરિંગ ખર્ચ પણ દોઢા થઈ ગયા હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ વધારો અનિવાર્ય બન્યો છે.
રાજકોટમાં અંદાજે 4500 જેટલી સ્કૂલ વાન અને રિક્ષાઓ વિદ્યાર્થીઓની હેરફેર માટે દોડે છે. સ્કૂલ વાન એસોસિએશનના આ પગલાને પગલે તમામ રિક્ષા અને વાનચાલકો પણ સત્તાવાર જાહેરાત કરીને ભાડા વધારી દેશે તે નક્કી છે, જેને લીધે નવા સત્રથી વાલીઓનું બજેટ ખોરવાશે.
ના છુટકે નિર્ણય લેવો પડયો : એસો.પ્રમુખ
રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું કે, બે વર્ષ પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹76 હતો, જે હવે વધીને ₹88 થઈ ગયો છે. અમે છેલ્લા બે વર્ષથી ભાડામાં કોઈ વધારો કર્યો નથી અને વાલીઓ સાથે અમારા પારિવારિક સંબંધો છે. પરંતુ કૂદકે ને ભૂસકે વધતા ઇંધણના ભાવ અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થયેલી મોંઘવારી વચ્ચે અમારે નછૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે.
વાલીઓને હેરાન કરવાનો ઇરાદો નથી : વાન ચાલક
સ્કૂલ વાન ચાલક મુરાદ દલવાણીએ વાલીઓને સહકાર આપવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાની આર્થિક સ્થિતિને કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. અગાઉ અમે જ્યારે વાનમાં સીએનજી પુરાવતા ત્યારે ₹600 નો ખર્ચ થતો હતો, જે હવે વધીને ₹780 થી ₹785 સુધી પહોંચી ગયો છે. અમારો હેતુ વાલીઓને હેરાન કરવાનો નથી, પરંતુ ગેસના અસહ્ય ભાવવધારા સામે ટકી રહેવા માટે જ હાલના ₹1000થી ₹1200ના માસિક ભાડા પર 10 ટકા રકમ વધારવી પડશે.


