સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કોટક સ્કૂલના વિદ્યાર્થીઓનો સંકલ્પ
વિશ્વ પૃથ્વી દિવસ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વ પૃથ્વી દિવસના અવસરે ISHRAE રાજકોટ, ક્લીનઅપ ગ્રૂપ રાજકોટ, રોટરી ક્લબ અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કોટક સ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “મારો કચરો – મારી જવાબદારી” જેવા સંદેશ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ વિષયક પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. કામ્યા ટેક્સટાઇલના માલિક દિવ્યેશભાઈ સવાલીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જૂટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સમજણ આપવામાં આવી હતી.
તદુપરાંત અજયભાઈ હિરપરા અને સંજયભાઈ કાકડિયા દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગથી વિશ્વને થતું નુકસાન વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. ISHRAE સંસ્થાના દર્શીતભાઈ મહેતા અને સેમશેરસિંહ દ્વારા ગ્લોબલ વોર્મિંગ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોટરી ક્લબના પ્રતિનિધિ કૌશાબેન દોશી દ્વારા ઉપસ્થિત તમામ લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત યજ્ઞેશ કાપડી, નીરજભાઈ, વિજયભાઈ, શક્તિસિંહ, નરેશભાઈ બરોડ, નિખિલભાઈ તેમજ શિવમભાઈ રાવલ દ્વારા સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો અને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો રહ્યો હતો.


