સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય-રાજકોટના વિદ્યાર્થીઓની ગૌરવપૂર્ણ સિદ્ધિ
WSRO રાજકોટ રીજનલ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં “સ્પેશિયલ એવોર્ડ” સાથે નેશનલ લેવલ માટે પસંદગી
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, ઢેબર રોડ, રાજકોટ માટે અત્યંત ગૌરવ અને આનંદનો પ્રસંગ સર્જાયો છે. તાજેતરમાં રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત WSRO રાજકોટ રીજનલ ચેમ્પિયનશિપ-૨૦૨૬ માં ગુરુકુળના વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો શાનદાર પરિચય આપીને શાળાનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.
સ્પર્ધાની “યંગ સાયન્ટિસ્ટ” કેટેગરીમાં ગુરુકુળના બે તેજસ્વી વિદ્યાર્થીઓ પરમાર હર્ષિવ ચેતનભાઈ અને સાંકરેચા આર્યન જયેશભાઈએ અદભુત પ્રદર્શન કર્યું હતું. તેમની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ઉત્તમ રજૂઆતને માન્યતા આપતાં તેમને “સ્પેશિયલ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ તેઓ નેશનલ લેવલ કોમ્પિટિશન માટે પણ પસંદગી પામ્યા છે, જે ગુરુકુળ પરિવાર માટે ગૌરવની અનોખી ક્ષણ બની છે.
આ સિદ્ધિ બદલ શાળા સંચાલક પૂ. જન્મંગલદાસજી સ્વામી, પૂ. જીવનમુક્તદાસજી સ્વામી, તેમજ આચાર્ય કે. જી. દવેએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક હિતેશકુમાર પ્રવિણચંદ્ર ભૂંડિયાને પણ ગુરુકુળ પરિવાર તરફથી વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની યોગ્ય દિશા, માર્ગદર્શન અને પ્રેરણાથી જ આજે વિદ્યાર્થીઓ આ ઊંચાઈએ પહોંચ્યા હોવાનું જણાવાયું હતું.


