લાખોના પગારની લાલચમાં આણંદ-વડોદરાના ૨૦ લોકો રશીયામાં ફસાયા
રહેવા-જમવાની સુવિધાઓ અત્યંત નબળી અને છેતરપીંડી કરી હોવાના પરિવારજનોના આક્ષેપ : ભોગ બનનારાઓનો વીડિયો વાયરલ
અગ્ર ગુજરાત, આણંદ
વિદેશમાં સારી નોકરી અને ઊંચા પગારના સપના બતાવીને ગુજરાતના યુવાનો અને મહિલાઓને રશિયા મોકલવાના મામલે મોટો વિવાદ સામે આવ્યો છે. આણંદ અને વડોદરા સહિતના વિસ્તારોના આશરે 20 જેટલા ગુજરાતીઓ હાલ રશિયા (Russia Job Scam)માં મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા હોવાનો દાવો કરી રહ્યા છે. ભોગ બનનારાઓના જણાવ્યા મુજબ તેમને આકર્ષક પગાર અને સારી સુવિધાઓના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ વાસ્તવિકતા સંપૂર્ણપણે અલગ જોવા મળી.
ફસાયેલા લોકોના પરિવારજનો અને ભોગ બનનારાઓએ વીડિયો મારફતે પોતાની સ્થિતિ વર્ણવી છે. તેમના જણાવ્યા મુજબ તેમને નોકરીના નામે રશિયા(Russia Job Scam) મોકલવામાં આવ્યા હતા, પરંતુ વચન મુજબનો પગાર મળ્યો નહીં અને રહેવા-જમવાની સુવિધાઓ પણ અત્યંત નબળી હોવાનું સામે આવ્યું છે.
ભોગ બનનારાઓના આક્ષેપ અનુસાર તેમને મહિને રૂ. 1 લાખથી વધુ પગારનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ કામ શરૂ કર્યા બાદ માત્ર થોડા હજાર રૂપિયાનું જ વેતન મળ્યું હતું. કેટલાક લોકોનો દાવો છે કે પરત ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમની પાસે વધારાની રકમ માંગવામાં આવી રહી છે અને પોતાના ખર્ચે ટિકિટ કરાવવાની શરત મૂકવામાં આવી છે.
મામલો સામે આવતા પરિવારજનોએ સ્થાનિક જનપ્રતિનિધિઓ અને પોલીસ તંત્રનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને સંબંધિત એજન્ટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન વિદેશ (Russia Job Scam)માં નોકરી અપાવવાના બહાને મોટી રકમ વસૂલવામાં આવી હોવાના આક્ષેપોની પણ તપાસ થઈ રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. રશિયા (Russia Job Scam)માં રહેલા લોકો સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું છે.
કેટલાક લોકો અગાઉ પણ સમાન પરિસ્થિતિનો સામનો કરીને ભારત પરત ફરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. તેમના નિવેદનોના આધારે પણ તપાસ આગળ વધી રહી છે. સમગ્ર ઘટનાએ વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છુક યુવાનો માટે ચેતવણીરૂપ ઉદાહરણ ઉભું કર્યું છે.
હાલ તપાસ ચાલુ છે અને સંબંધિત વિભાગો દ્વારા રશિયામાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


