ભરૂડી ટોલનાકા પાસે રૂરલ LCB -SOG નો ફિલ્મી સ્ટાઈલમાં દરોડો
ટ્રામાડોલનો નશો કરી ફોરચ્યુનરમાં જેતપુર દારૂ સપ્લાય કરવા જતાં બે બુટલેગર ઝડપાયા
રૂ.23.67 લાખનો મુદ્દામાલ કબજે; સેલવાસથી ભરેલો દારૂ રાજકોટ મારફતે જેતપુર પહોંચાડવાની હતી તૈયારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસની એસઓજી અને એલસીબી શાખાએ ભરૂડી ટોલનાકા નજીક સંયુક્ત ઓપરેશન હાથ ધરી દારૂ અને નશાકારક ટેબ્લેટના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફોરચ્યુનર કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જેતપુર સપ્લાય કરવા જતાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન કારચાલક પાસેથી નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ પણ મળી આવતા પોલીસે દારૂ સાથે ડ્રગ્સના એંગલમાં પણ કાર્યવાહી હાથ ધરી છે. દરોડામાં કુલ રૂ.23.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા વિસ્તારમાં રહેતો કિરણ ચીમન પટેલ તથા રાજકોટના રતનપર વિસ્તારમાં રહેતો વૈભવ નારણ બાબરીયાનો સમાવેશ થાય છે. બંને સામે એનડીપીએસ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જિલ્લામાં Say No To Drugs અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થો અને દારૂના દુષણ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. જેના આધારે ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી. દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભરૂડી ટોલનાકા પાસે શંકાસ્પદ હલચલ અંગે ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી અનુસાર નિલકંઠ કોમ્પલેક્ષ નજીક જાહેર રોડ પર ઊભેલી ફોરચ્યુનર કારમાં બે શખ્સો દારૂ અને નશાકારક ટેબ્લેટ સાથે હાજર હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે કારને ઘેરી બંને શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન કારચાલક કિરણ પટેલના ખિસ્સામાંથી ટ્રામાડોલ નામની નશાકારક ટેબ્લેટ મળી આવી હતી. ત્યારબાદ કારની તલાશી લેવામાં આવતા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન 94.5 ગ્રામ જેટલી ટ્રામાડોલ ટેબ્લેટ, ઇંગ્લિશ દારૂની 93 બોટલ, એક ફોરચ્યુનર કાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.23.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રામાડોલ ટેબ્લેટની જ કિંમત રૂ.7.56 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે.
પૂછપરછ દરમિયાન આરોપી કિરણ પટેલે ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તે સેલવાસના ખાનવેલ વિસ્તારમાંથી દારૂનો જથ્થો લઈને રાજકોટ આવ્યો હતો. સેલવાસના ખેડીગામમાં રહેતા રાહુલ વિઠ્ઠલ બારતે ફોરચ્યુનર કારમાં દારૂ ભરાવ્યો હતો. ત્યારબાદ રાજકોટના જીતુભાઈ નામના બુટલેગરના કહેવાથી આ જથ્થો જેતપુર પહોંચાડવાનો હતો. કિરણ પટેલ રાજકોટ પહોંચ્યા બાદ પોતાના મિત્ર વૈભવ બાબરીયાને સાથે લઈ જવા માટે સંપર્ક કર્યો હતો. વૈભવને જેતપુર સુધી દારૂનો જથ્થો પહોંચાડવામાં મદદ કરવા માટે રૂ.1000 આપવાની પણ વાત થઈ હતી. ત્યારબાદ બંને શખ્સો દારૂનો જથ્થો લઈને જેતપુર તરફ નીકળવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. કિરણ પટેલે કબૂલ્યું હતું કે લાંબા અંતર સુધી દારૂની હેરાફેરી દરમિયાન થાક અને ઊંઘ ન આવે તે માટે તે ટ્રામાડોલ ટેબ્લેટનું સેવન કરતો હતો. સતત ડ્રાઇવિંગ અને પોલીસની નજરથી બચવા માટે જાગતા રહેવા આ નશાકારક ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તેણે જણાવ્યું હતું.
પોલીસના મતે ટ્રામાડોલ સામાન્ય રીતે પેઇનકિલર તરીકે વપરાતી દવા છે, પરંતુ તેનો ગેરકાયદેસર નશા માટે પણ ઉપયોગ થતો હોય છે. વધુ પ્રમાણમાં લેવાય તો શરીર અને મગજ પર ગંભીર અસર થવાની શક્યતા રહે છે. દારૂના સપ્લાય સાથે નશાકારક ટેબ્લેટનો જથ્થો મળી આવતા પોલીસ હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આરોપી કિરણ પટેલ વિરુદ્ધ અગાઉ પણ દારૂ સંબંધિત અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેના કારણે તે લાંબા સમયથી દારૂની હેરાફેરીના કારોબારમાં સંકળાયેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે હવે સેલવાસના રાહુલ બારત અને રાજકોટના જીતુભાઈ નામના બુટલેગરની શોધખોળ પણ શરૂ કરી છે. આ સમગ્ર ઓપરેશન ગ્રામ્ય એસઓજી અને એલસીબી માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહ્યું છે.


