કુવાડવામાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા 13 બેરલ ઝડપાયા
હરિયાણાથી દારૂ લવાયો હતો, કુવાડવા રોડ પોલીસના દરોડામાં 3504 બોટલ સાથે રૂ.4.91 લાખનો મુદ્દામાલ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીક કુવાડવા વિસ્તારમાં આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા રોડ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિઆરએલ લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 13 બેરલમાં છુપાવવામાં આવેલ 3504 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.4.91 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી.આર. વસાવાની દેખરેખ હેઠળ પીએસઆઇ એ.એ. બ્લોચ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નવાગામ-આણંદપર નજીક સાત હનુમાન મંદિર પાસે આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં છેલ્લા બે દિવસથી શંકાસ્પદ બેરલ રાખવામાં આવ્યા છે. માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા બેરલમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો બહાર આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો હરિયાણાના પાણીપતથી મોકલવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ મારફતે આવેલા બેરલ અહીંથી હિતેશ નામનો વ્યક્તિ છોડાવવા આવવાનો હતો, તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી દીધી હતી. હાલ દારૂ મોકલનાર અને મંગાવનાર બંને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઓપરેશનમાં પીએસઆઇ એ.એ. બ્લોચ, એએસઆઇ કે.વી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ એમ.કે. રબારી તેમજ પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


