ઉપલેટાના નાગનાથ ચોકમાં વાહન અકસ્માત બાદ જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ઘાતક હથિયારોથી હુમલામાં ત્રણ ઈજાગ્રસ્ત
બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી સાંઢિયા પુલ તરફ જતા માર્ગ પર દિનદહાડે બે જૂથ વચ્ચે વાહન અકસ્માત અને જૂની અદાવતને લઈને ભારે બબાલ થઈ હતી. આ અથડામણમાં કુહાડી, લાકડી અને છરી જેવા ઘાતક હથિયારોનો છૂટથી ઉપયોગ થતાં સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામા થયેલા આ હિંસક હુમલામાં બંને પક્ષે કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઉપલેટા પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, એક પક્ષના દિલાવરભાઈ ઓસમાણભાઈ હિંગોરાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેમના પુત્ર મોહસીનની કાર અન્ય કાર સાથે ભટકાતા બોલાચાલી થઈ હતી. જેની જાણ થતાં તેઓ ત્યાં ગયા ત્યારે યાસીન ઉર્ફે અકાડી હારૂનભાઈ ખાટકી અને તેના ભાઈ યુનુસે કુહાડી અને લાકડી વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યાસીને કુહાડીના ઘા મારતા મોહસીનના ડાબા હાથની પ્રથમ ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી અને માથા, ગરદન તેમજ અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે દિલાવરભાઈને પણ પગના ભાગે ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સામા પક્ષે યાસીન હારુનભાઈ કટારીયાએ નોંધાવેલ વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૫૦૦૦ રૂપિયાની લેવડદેવડના મામલે મનદુઃખ રાખીને મોહસીન, રોહન અને સાહિલે તેમના ભાઈ સમીરની કાર સાથે કાર ભટકાવી હતી. ત્યારબાદ થયેલી મારામારીમાં મોહસીને છરી વડે હુમલો કરતા યાસીનને માથાના પાછળના ભાગે આઠ ટાંકા આવ્યા હતા અને ડાબા હાથ તેમજ કાંડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પણ સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ હુમલાની ઘટનાની જાણ થતાં જ ઉપલેટા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. શહેરમાં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ જે ખાનગી હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એમ. ધાંધલના માર્ગદર્શન હેઠળ પોલીસે તમામ ઈજાગ્રસ્તોની પૂછપરછ શરૂ કરી છે. જોકે, આ સશસ્ત્ર મારામારીનું સાચું કારણ અને સચોટ હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકશે.


