વિરાણી હાઇસ્કૂલના વિવાદમાં પરસોત્તમ પીપળીયાને ફટકો : કલેકટરે અરજી ફગાવી
ત્રાહિત વ્યકિતઓને જવાબ દેવા ટ્રસ્ટ બંધાયેલ નથી : કલેકટરે આપેલો ચૂકાદો
વેચાણનો હાલ કોઇ ઇરાદો નથી, ત્યાં બિલ્ડીંગ બનાવવાની છે : ટ્રસ્ટની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની ઐતિહાસિક ગણાતી વિરાણી હાઇસ્કૂલની જમીનનો વિવાદ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યો છે. આ વિવાદમાં મુખ્ય ગણાતા એવા પરસોત્તમ પીપળીયાને કલેકટર દ્વારા ફટકો પડયો છે. પરસોત્તમ પીપળીયાએ કરેલી અરજીને કલેકટરે કાઢી નાંખી છે અને ચૂકાદો આપતા જણાવ્યું હતું કે કોઇપણ ત્રાહિત વ્યકિતઓને જવાબ આપવા ટ્રસ્ટ બંધાયેલું નથી.
આ અંગે ટ્રસ્ટે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ટ્રસ્ટને વિવાદમાં ધકેલવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. શામજી વેલજી વિરાણીમાં પાંચ હજાર મીટર જમીન વેંચવાની મંજુરી ચેરીટી કમિશનરે આપી હતી. આ મંજૂરીને લઇને ૨૦૨૧થી વિવાદ સર્જવામાં આવ્યો છે અને ટ્રસ્ટને વિવાદમાં ધકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ કલેકટર દ્વારા અપાયેલા ચૂકાદાથી આ વિવાદનો અંત આવ્યો હોય તેવુ દેખાઇ રહ્યું છે.
ચેરીટી કમિશનરના હુકમ બાદ ‘વિરાણી ટ્રસ્ટ બચાવો, ગ્રાઉન્ડ બચાવો’ તેવા સ્લોગન સાથે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેને કાયદાકીય સમર્થન મળ્યું નથી. જમીન ન વેંચવા પૂર્વ વિદ્યાર્થી પરસોત્તમભાઇ પીપળીયાએ પોતાને પણ સાંભળવા અરજી કરી હતી. ૨૦૨૧માં થયેલા હુકમને પરસોત્તમભાઇ પીપળીયાએ પડકાર્યો હતો. ત્યારે અધિક કલેકટર પરસોત્તમભાઇ પીપળીયાની અરજીને ડ્રોપ કરી હતી.
અધિક કલેકટર દ્વારા પરસોત્તમભાઇ પીપળીયાની અરજીને ડ્રોપ કરાતા તેઓએ કલેકટર સમક્ષ અરજી કરી હતી. જે ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. તેમાં કલેકટરે આ અરજીને લાંબી સુનાવણીને અંતે કાઢી નાંખી છે અને કલેકટરે ચૂકાદો આપ્યો હતો કે ત્રાહિત વ્યકિતઓને જવાબ દેવા ટ્રસ્ટ બંધાયેલ નથી. પ્રેસ ટ્રાયલ હોવા છતા કલેકટરે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો હોવાનું ટ્રસ્ટે જણાવ્યું હતું.
વધુમાં ટ્રસ્ટે જણાવ્યું છે કે હાલના તબક્કે બિલ્ડીંગ બનાવવાની છે. વિરાણીમાં હાલ કોઇ વેંચાણનો ઇરાદો અમારો છે નહી. ત્યાં વિદ્યાર્થીઓના હિતમાં જ કાર્ય કરવામાં આવશે. તેવું પણ ટ્રસ્ટે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી વિરાણી ટ્રસ્ટ બચાવો અભિયાન ચાલી રહ્યું હતું. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળીયાએ પાંચ હજાર મીટર જમીન વેંચવાની મંજૂરીના હુકમને પડકાર્યો હતો. તેનો આજે કલેકટર દ્વારા ટ્રસ્ટ તરફી ચૂકાદો આપતાં પરસોત્તમ પીપળીયાને ફટકો પડયો હોવાનું ટ્રસ્ટમાં ચર્ચાઇ રહ્યું છે.
માનહાનીના દાવા વિશે વિચારી રહ્યા છીએ : ટ્રસ્ટ
ટ્રસ્ટે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી વિરાણી ટ્રસ્ટ બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ટ્રસ્ટને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે. આ અંગે માનહાનીનો દાવો કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. જે બાબતે નોટીસ પણ પાઠવવામાં આવી છે. આગામી દિવસોમાં કાયદાકીય સલાહ મુજબ પ્રક્રિયા કરવામાં આવશે.


