મતદારોનો જાહેર આભાર માનતા શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના હોદેદારો
રાજકોટની પ્રજાએ વિકાસની રાજનીતિને પ્રચંડ સમર્થન આપ્યુ છે : ડો.દવે, દુધાત્રા, વાડોલીયા, જાડેજા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાજપને મત એટલે વિકાસને મત એ મંત્ર સ્વીકારીને રાજ્યની જનતાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમળ નિશાન નું બટન દબાવીને મતદાન કર્યું છે તેમ જણાવી ભાજપની તરફેણમાં મતદાન કરવા બદલ મતદારોનો હ્રદયપુર્વક આભાર માની રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, અને મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલિયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટવાસીઓનો આભાર માન્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની ૧ થી ૧૮ વોર્ડની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ છે અને મતદારોએ ફરી એક વખત ભાજપમાં વિશ્વાસ દેખાડ્યો છે તે બદલ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને મતદારોનો મિજાજ જોતા એટલું ચોક્કસપણે કહી શકાય કે ભારતીય જનતા પક્ષનો ઝળહળતો વિજય નિશ્ચિત છે.
ડો. માધવ દવેએ જણાવ્યું છે કે, લોકશાહીના આ મહાપર્વમાં રાજકોટવાસીઓએ કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાની ફરજ અદા કરી મતદાન કર્યું છે અને શહેરના વિકાસ માટેના દરવાજા ખોલી નાખ્યા છે. તેમણે ઉમેર્યુ છે કે, રાજકોટવાસીઓનો એક એક મત દેશ , રાજ્ય અને શહેરના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં એક મહત્વનું યોગદાન ગણાશે તેની ખાતરી છે.
તેમણે અંતમાં જણાવ્યું છે કે, મતદારોએ મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીની શાંતિ,સલામતિ અને વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે તેવું મતદારોનાં મિજાજ ઉપરથી લાગી રહ્યું છે. રાજકોટના મતદારોએ જે જાગૃતિ દાખવી છે અને સહકાર આપ્યો છે તે બદલ શહેર ભાજપની ટીમ હમેશા ઋણી રહેશે
તેમણે અંતમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે સહિત મહામંત્રીએ કહ્યું છે કે રાજ્યની શાંતિ પ્રિય જનતાએ વિરોધીઓના ગોબેલ્સ પ્રચાર ને ફગાવી દઈને ભારતીય જનતા પક્ષમાં વધુ એક વખત ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે.


