વોર્ડ નં.૧૧માં ગેરકાયદે મોટર મૂકી પાણી ખેંચતા ૩ આસામીઓ ઝડપાયા
ગિરનાર સોસાયટીમાંથી ગેરરીતિ પકડાતાં દંડ ફટકારાયો: પાણી ચોરી કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ કડક ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોને સમાન, પૂરતા દબાણથી અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત દેખરેખ હાથ ધરવામાં આવી રહી છે. પાણી વિતરણ દરમિયાન કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ મોટર મૂકીને પાણી ખેંચી લેવાની પ્રવૃત્તિઓના કારણે અન્ય રહીશોને પૂરતું પાણી મળવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આવી ગેરરીતિઓ અટકાવવા મનપા તંત્ર દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી તથા સિટી એન્જિનિયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ ગઇકાલ તા.૨૧-૭ના રોજ વોર્ડ નં. ૧૧ ના વિસ્તારોમાં પાણી વિતરણ સમયે અધિકારીઓની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ૪૦ ફીટ રોડ પર આવેલી ગીરનાર સોસાયટીમાં લાઈન પર ગેરકાયદેસર મોટર મૂકીને પાણી ખેંચતા ગોવિંદભાઇ મનુભાઇ સબાડ, ગીરીશભાઇ કાલાભાઇ ટાટમીયા, પ્રફુલભાઇ ગોવિંદભાઇ ભરડવા નામના ત્રણ આસામીઓ રંગેહાથ ઝડપાયા હતા. જાહેર પાણી વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઊભો કરવા બદલ તંત્ર દ્વારા ત્રણેય આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ રૂ.૨,૦૦૦/- નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પાણી વિતરણ વેળાએ મોટર કે પંપ મૂકીને પાણી ખેંચવાથી આસપાસના રહીશોના હક્કના પાણીનું દબાણ ઘટે છે. આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને પાણી ચોરી કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.


