રાજકોટ જિલ્લામાં જળસંકટના એંધાણ: ૨૭ મુખ્ય ડેમમાં માત્ર ૨૭% જ પાણી
જિલ્લાની જીવાદોરી સમાન ભાદર ડેમ ૫૦% થી વધુ ખાલી, ગોંડલી ડેમ તળિયાઝાટક
કુલ ક્ષમતાના ત્રીજા ભાગ જેટલો જ લાઈવ સ્ટોક ઉપલબ્ધ: ન્યારી-૧માં માંડ ૩૪.૯૧% જથ્થો
લાલપરી ૭૭.૯૪% અને આજી-૧ ડેમ ૫૧% થી વધુ ભરાયો, આજી-૨ ના દરવાજા ખોલાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદના અભાવે જળસંકટના ઘેરા વાદળો મંડરાઈ રહ્યા છે. ચોમાસાની સીઝન અડધે પહોંચવા છતાં જિલ્લાના નાના-મોટા કુલ ૨૭ મુખ્ય જળાશયોમાં અત્યાર સુધીમાં માત્ર ૨૭.૨૧% જેટલો જ લાઈવ સ્ટોક (પાણીનો જીવંત જથ્થો) બચ્યો છે. સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લાના ૨૭ ડેમની કુલ ૨૧,૬૨૭ મિલિયન ક્યુબિક ફૂટ (મી.ક્યુ.ફૂટ) ક્ષમતા સામે અત્યાર સુધીમાં માત્ર ૫૮૮૫ મી.ક્યુ.ફૂટ ગ્રોસ જથ્થો જ ભરાયો છે, જ્યારે ૧૫,૭૪૨ મી.ક્યુ.ફૂટ જેટલો મોટો જથ્થો હજુ પણ ખાલીખમ છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ ન થતાં ડેમોમાં પાણીની આવક નહિવત રહી છે.
રાજકોટ શહેર અને જિલ્લાની જીવાદોરી ગણાતા ભાદર-૧ ડેમની સ્થિતિ ચિંતાજનક છે. ૩૪ ફૂટની જીવંત સપાટી ધરાવતા ભાદર ડેમમાં અત્યારે માત્ર ૪૩.૩૬% પાણી ઉપલબ્ધ છે અને સપાટી ૧૪.૪૦ ફૂટે પહોંચી છે. આ જ રીતે રાજકોટની તરસ છિપાવતા ન્યારી-૧ ડેમમાં અત્યારે માત્ર ૩૪.૯૧% અને ન્યારી-૨ ડેમમાં ૨૬.૦૭% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો આગામી દિવસોમાં મોટો વરસાદ નહીં થાય તો પીવાના પાણીનું સંકટ ઘેરું બની શકે છે.
ચોમાસાના આ તબક્કે પણ જિલ્લાના બે મહત્ત્વના ડેમ ‘વેરી’ અને ‘છાપરવાડી-૨’ સંપૂર્ણપણે કોરા એટલે કે ‘ડ્રાય’ જાહેર કરાયા છે. આ ઉપરાંત, ગોંડલી ડેમમાં માત્ર ૦.૨૨% જ પાણી બચ્યું હોવાથી તે પણ તળિયાઝાટક સ્થિતિમાં આવી ગયો છે, જ્યારે છાપરવાડી-૧ માં માંડ ૨.૪૦% પાણી ઉપલબ્ધ છે.
આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતો આજી-૧ ડેમ ૫૧.૩૮% ભરાઈ ચૂક્યો છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૩ ફૂટનો મામૂલી વધારો થયો છે. જ્યારે આજી-૨ ડેમ ૭૩.૨૯% ભરાઈ જતાં તેના દરવાજા ૧.૬૨ મીટરના ૦.૦૭૬ મીટર જેટલા ખુલ્લા રાખવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યારે સૌથી વધુ પાણીનો સંગ્રહ ધરાવતા ડેમમાં લાલપરી ડેમ ૭૭.૯૪% સાથે મોખરે છે.
ડેમ વાઈઝ વર્તમાન સ્થિતિ એક નજરે:
- લાલપરી ડેમ: ૭૭.૯૪ % (સૌથી વધુ)
- વેણું-૨ ડેમ: ૭૬.૪૩ %
- આજી-૨ ડેમ: ૭૩.૨૯ % (દરવાજા ખુલ્લા)
- ભાદર-૨ ડેમ: ૫૯.૨૯ %
- આજી-૧ ડેમ: ૫૧.૩૮ %
- ભાદર-૧ ડેમ: ૪૩.૩૬ %
- વેરી અને છાપરવાડી-૨: ૦૦.૦૦ % (સંપૂર્ણ ડ્રાય)


