જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક
ખેતીકામ કરતા ખેડૂત પર હુમલો : વાડીએ જતા ધરતીપુત્રોમાં ભયનો માહોલ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર પંથકમાં વન્ય પ્રાણીઓના રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોમાં આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જેતપુરના ચાંપરાજપુર રોડ પર આવેલ જીઠુડી રોડ કેનાલ વાળા જુના સીમ વિસ્તારમાં વાડીમાં દવા છાંટતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, જેતપુરના ચાંપરાજપુર રોડ આવેલ જીઠુડી રોડ કેનાલ વાળા જુના સીમ વિસ્તારમાં આવેલ પોતાની વાડીમાં જમનભાઈ અમીપરા નામના ખેડૂત ખેતીકામ (દવા છાંટવાનું કામ) કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ ખેડૂત પર તરાપ મારી હતી. દીપડાએ ખેડૂતની છાતીના ભાગે પંજા મારતા જમનભાઈ લોહીલુહાણ થયા હતા. જોકે, સદનસીબે ખેડૂતે હિંમતપૂર્વક પ્રતિકાર કરતા અને બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ઇજાગ્રસ્ત ખેડૂત જમનભાઈને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દીપડાના લોકેશનને ટ્રેક કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ઇજાગ્રસ્ત ખેડૂત જમનભાઈ અમીપરાએ જણાવ્યું હતું કે, “હું વાડીમાં દવા છાંટી રહ્યો હતો, ત્યારે જ દીપડો સામે આવી ગયો હતો. તે ત્યાં જ સૂતો હતો અને અચાનક મારા પર છલાંગ લગાવી દીધી. દીપડાએ ખેડૂતની છાતીના ભાગે પંજા મારતા ખેડૂત ઇજાગ્રસ્ત થયા હતા
આ ઘટનાને પગલે આસપાસના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


