રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ૪-૪, આપના એક ઉમેદવાર કરોડપતિ
ભાજપના ઉમેદવાર અને પૂર્વ ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા પાસે ૪૦ કરોડની સંપતિ, હિરેન ખીમાણીયા પાસે ૧૨ ટ્રક સહિત લાખોની મિલકત
કોંગ્રેસના વોર્ડ નં.૨ના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા ૨૦ તોલા સોનુ સહિત ૧૭ કરોડના આસામી અતુલ રાજાણી ૮.૫૮ કરોડના માલિક
આપના ઉમેદવાર શિવલાલ બારસીયા પાસે ૮.3૭ લાખની રોકડ, ૪૯.૫૯ લાખની બેંક બેલેન્સ અને ૧૭.૭૬ કરોડથી વધુની જમીન-પ્લોટસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ માહનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોની ચિત્ર ફાઈનલ થઈ ચૂક્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામા પોતાની મિલકત, કેસ, વ્યવસાય, અભ્યાસ સહિતની માહિતી રજૂ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા સોંગદાનામાની વિગત મુજબ ભાજપ-કોંગ્રેસના 4-4 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે સૌથી વધુ 40 કરોડની સંપતિ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ 17 કરોડની મિલકત દર્શાવી છે.
રાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ઉમેદવાર હિતેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના ઉમેદવારી પત્રકમાં રજૂ કરેલ સોગંદનામામાં કરોડો રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. હિતેન્દ્રસિંહ ચુડાસમા પાસે 2,36,18,700ની મિલ્કત દર્શાવી છે જેમાં 1.65 કરોડની માત્ર જમીન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની પાસે રોકડ અને બેન્ક બેલેન્સ કુલ 4.24 લાખ, બેન્ક ડિપોઝીટ 5.76 લાખ તેમજ શેર અને મ્યુચ્યુલ ફંડમાં 10.07 લાખનું રોકાણ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની પાસે કુલ 5 જેટલી મોટર કાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિતેન્દ્રસિંહ ચુડાસમાની સ્થાવર મિલ્કત અંગે વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદમાં 1.65 કરોડની ખેતીની જમીન, રૈયા વિસ્તારમાં 35 લાખની દુકાન, શાસ્ત્રીનગરમાં એપાર્ટમેન્ટ અને આણંદ વલ્લભ વિદ્યાનગરમાં ફ્લેટ મળી કુલ 2.36 કરોડથી વધુની થાય છે.
સતત બીજી ટર્મમાં ચૂંટણી લડનારા રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.3ના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે હાથ ઉપર 6.78 લાખની રોકડ છે. તેમના કરતા તેમના ધર્મપત્ની પાસે વધુ 16 લાખની રોકડ રકમ છે. જ્યારે બેન્ક બેલેન્સમાં નરેન્દ્રસિંહ પાસે 18.70 લાખની બેન્ક બેલેન્સ હોવાનું સામે આવ્યું છે. જમીનો, ફ્લેટ, પ્લોટસ સહિતની મિલકતો મળી કુલ 40 કરોડની સંપત્તિ હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે. નરેન્દ્રસિંહ જાડેજા ઉપર 2.84 લાખની બેન્કલોન હોવાનું સામે આવ્યું છે. જયારે તેમના પત્ની પાસે ઝવેરાતમાં 555 ગ્રામ એટલે કે 50.5 તોલા સોનું અને 1025 ગ્રામ ચાંદી હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નં.14માંથી ઉમેદવારી નોંધાવનાર હિરેન ખીમાણીયા પાસે હાથ ઉપર 30.29 લાખની રોકડ, 90 લાખ જેવી બેન્ક બેલેન્સ અને 21.38 કરોડ જેવી જમીન-પ્લોટ સહિતની મિલકતો હોવાનું સામે આવ્યું છે. જયારે પોતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હોવાથી 12 ટ્રક ધરાવતા હોવાનું અને પોતાની ત્રણ મોંઘેરી કાર પણ હોવાનો ઉલ્લેખ સોગંદનામાંની અંદર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસે 76.30 લાખનું 545 ગ્રામ સોનુ છે.
આ ઉપરાંત વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પાસે 17 કરોડથી વધુની મિકલત હોવાનું સામે આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે તેમને વારસાઈ અથવા બક્ષીસમાં એક વિશાળ ખુલ્લો પ્લોટ મળેલો છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે 11 કરોડ જેટલી થાય છે. ભાઈ સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં 5.75 કરોડની ફિક્સ ડિપોઝિટમાં તેમનો અડધો હિસ્સો છે. મ્યુચ્યુઅલ ફંડમાં 60 લાખથી વધુનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. જયારે ઝવેરાતમાં 200 ગ્રામ એટલે કે 20 તોલા સોનું હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં સતત બીજી વખત આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડતા પૂર્વ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા પાસે 8.37 લાખની રોકડ, 49.59 લાખની બેન્ક બેલેન્સ અને 17.76 કરોડથી વધુની જમીન-પ્લોટસ સહિતની મિલકતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિવલાલભાઈ કરતા તેમના પત્ની પાસે રોકડ બમણી અને બેન્ક ખાતામાં પણ દોઢા રૂપિયા હોવાનું સોગંદનામાની અંદર દર્શાવવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા લઇ ઉમેદવારની જાહેરાત સુધી ચર્ચામાં રહેલા એક માત્ર ઉમેદવાર એટલે ઘનશ્યામ હેરભા જેઓએ પોતાની પાસે 10.56 લાખની રોકડ, 1.31 લાખ બેન્ક બેલેન્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમીન-પ્લોટ મળી કુલ 16.83 કરોડથી વધુની મિલકતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમના પત્નીના નામ પર 6.83 કરોડની પ્રોપર્ટી છે અને 517 ગ્રામ સોનુ હોવાનો ઉલ્લેખ સોગંદનામાની અંદર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં તેમના વિરુધ્ધ ગુના પણ નોંધાઈ ચુક્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ પાસે 1.52 કરોડની ખેતીની જમીન અને ઓફિસ સહિતની મિલકત છે જયારે હાથ ઉપર 1.80 કરોડ રોકડા, બેન્કમાં 1.78 કરોડની સિલક, 83.35 લાખની લોન હોવાનું પોતાના સોગંદનામામાં જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભૂતકાળમાં તેમના વિરુધ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જયારે કોંગ્રસ વોર્ડ નંબર 3ના ઉમેદવાર અતુલભાઈ રાજાણી પાસે કુલ 8,58 કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે. જેમાં જંગમ મિલકત રોકડ રકમ, બેંક બેલેન્સ અને શેરબજારમાં રોકાણ મળી કુલ 1.81 કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. જયારે ખેતીની જમીન અને વ્યવસાયિક મકાનો સહિત કુલ 6,77,39,771ની મિલ્કતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમના ઉપર એક પેન્ડિંગ ગુનાહિત કેસ હોવાનો પણ ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે.
રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષીનેતા અને વોર્ડ નં.15ના ઉમેદવાર વશરામ સાગઠીયા પાસે હાથ ઉપર 57.95 લાખની રોકડ છે. જ્યારે બેન્ક બેલેન્સમાં તેમની પાસે 16.91 લાખથી વધુ બેન્ક બેલેન્સ હોવાનું સામે આવ્યું છે. જમીનો, ફ્લેટ, પ્લોટસ સહિતની મિલકતો મળી કુલ 1.60 કરોડની સંપત્તિ હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે. જયારે તેમના પાસે ઝવેરાતમાં સૌથી વધુ 2400 ગ્રામ એટલે કે 2.40 કિલો સોનું અને હોવાનો પણ સોગંદનામા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


